ટોકયો,તા.૧૮
જાપાનના ઓસાકામાં સવારે તેજ ભૂકંપ આવ્યો હતો.આ ભૂકંપની તીવ્રતા ૬.૧ માપવામાં આવી હતી. તેમાં ત્રણ લોકોના મોત અને ૫૦ લોકોને ઇજા થઇ હોવાના અહેવાલો છે.જાપાનના પ્રવકતા એનએચકેએ કહ્યું કે મૃત્યુ પામનારાઓમાં એક નવ વર્ષની બાળકી અને બે પુરૂષ છે.
જાપાન હવામાન એજન્સી (જેએમએ) અનુસાર ભૂકંપનો આંચકો સવારે ૭.૫૮ પર અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર ઓસાકા પ્રાંતના હોન્શુ હતું. હવામાન વિભાગે અહીં સુનામીને લઇ કોઇ ચેતવણી હજુ જારી કરવામાં આવી નથી. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ઓસાકા અને તાકાત્સુકીમાં અનેક ઇમારતો તુટી પડી હતી એટલું જ નહીં ભૂકંપના કારણે ઓસાકા શિગા કયોતો અને નારામાં બુલેટ ટ્રેન સહિત સ્થાનીક રેલ સેવાઓ પ્રભાવિત થઇ છે.જાપાનની સરકારી એજન્સીઓના જણાવ્યા અનુસાર ભૂકંપથી આ વિસ્તારના ૧૫ પરમાણુ સંયંત્રોના પ્રભાવિત થવાના કોઇ અહેવાલ નથી. જાપાન સરકાર ભૂકંપથી પ્રભાવિત લોકોનો બચાવ કાર્યમાં લાગી છે.જાનમાલના પ્રભાવિત થવાની માહિતીને લઇ સરકારે એક ટાસ્ફફોર્સની રચના કરી છે.એનએચકે અનુસાર ભૂકંપ બાદ ઓસાકામાં લગભગ ૧૭૦,૦૦૦ ઘરોમાં વિજળી પુરવઠો ઠપ્પ થઇ ગયો હતો.જયારે લોકો ઘરની બહાર આવી ગયા હતાં.