(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
ઝારખંડ અને બંગાળમાં આવેલી ફટાકડાની ફેકટરીમાં આગ લાગતા ૮નાં મોત નિપજ્યા હતા જ્યારે ૪૫ લોકો ઘાયલ થયા હતા. ઝારખંડના કુમારડુબીમાં આવેલ ફટાકડાની ફેકટરીમાં ભયાનક આગ લાગી હતી. જેમાં આઠના મોત અને આશરે ૨૫ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ જ પ્રકારનો બનાવ બંગાળના ૨૪ પરગના જિલ્લાના અમડંગામાં બન્યો હતો. જેમાં ૨૦ ઘાયલ થયા હતા. આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઝારખંડની ફટાકડાની ફેકટરી વિશે માહિતી આપતાં પોલીસ અધિકારી જણાવે છે કે, ફેકટરીમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આગ લાગતા ફેકટરીની એક દીવાલ પડી ગઈ હતી. જેની નીચે દબાઈને આઠ લોકોનાં મોત નિપજ્યા હતા. આ ફેકટરીમાં ગેરકાયદે ફટાકડા બનતા હતા. દુર્ઘટનામાં ફેકટરીના માલિકે પણ જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રી રઘુવર દાસે ઘટના પ્રત્યે શોક વ્યક્ત કરતાં મૃતકોને બે લાખ જ્યારે ઘાયલોને પચાસ હજાર વળતર આપવાની જાહેરાત કરી હતી.પશ્ચિમ બંગાળના કુમારડુબીમાં પણ ફટાકડાની ફેકટરીમાં આગ લાગી હતી. જેમાં ૨૫ જણા ઘાયલ થયાં હતા. પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.