(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૬
છેલ્લા ઘણાં સમયથી રાજકીય વર્તુળો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરાયા બાદ આજે સત્તાવાર રીતે તેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા આજે જાહેરનામુ પ્રસિદ્ધ કરાતાં આજથી જ ચૂંટણી માટે ઉમેદવારી પત્રકો ભરવાનો પ્રારંભ થઈ જવા પામ્યો હતો જો કે પ્રથમ દિવસે એકપણ ફોર્મ ભરાયું ન હતું.
૭ર-જસદણ વિધાનસભાના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ રાજીનામું આપતા ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી તા.ર૦મી ડિસેમ્બર-ર૦૧૮ને ગુરૂવારના રોજ યોજવાનું ભારતના ચૂંટણી પંચે નક્કી કર્યું છે. મતગણતરી તા.ર૩મી ડિસેમ્બરે યોજાશે. એમ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલીક્રિષ્ણા દ્વારા જણાવાયું છે.
તેમણે ઉમેર્યું કે, જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી દરમ્યાન મતદાન માટે ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) તથા વીવીપેટનો ઉપયોગ કરાશે અને મતદાન અર્થે આવનાર મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ (ઈપીઆઈસી)નો ઉપયોગ કરવામાં આવશે.
ઉમેદવારી પત્રકો પરત ખેંચવાની તા.૬-૧ર-ર૦૧૮ હોઈ તે દિવસે સાંજે ચૂંટણીના જંગનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.

પેટા ચૂંટણીનો કાર્યક્રમ
ચૂંટણી પંચનું જાહેરનામુ ર૬-૧૧-ર૦૧૮
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૦૩-૧ર-ર૦૧૮
ઉમેદવારી પત્રોની ચકાસણી ૦૪-૧ર-ર૦૧૮
ઉમેદવારી પાછી ખેચવાની છેલ્લી તારીખ ૦૬-૧ર-ર૦૧
મતદાન ર૦-૧ર-ર૦૧૮
મતગણતરી ર૩-૧ર-ર૦૧૮