(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૬
જસદણ પેટાચૂંટણીના પ્રચાર દરમ્યાન રાજ્યની ભાજપ સરકારના કેબિનેટ મંત્રી અને ખુદ પક્ષના પ્રમુખ દ્વારા મતોના રાજકારણમાં જુઠ્ઠાણું ચલાવી પ્રચાર કર્યો હોવાનો પર્દાફાશ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કરતાં રાજકીય ગરમાવો વધવા સાથે ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. ગુજરાત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા એઈમ્સ પ્રોજેકટના સ્થળ અંગે હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ સત્તાવાર જાહેરાત કરાઈ ન હોવાની સ્પષ્ટતા આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. તેમની આ સ્પષ્ટતાથી હવે સવાલો ઊભા થયા છે કે તો પછી રાજ્યના કેબિનેટ મંત્રી સૌરભ પટેલ અને ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી ખોટા હતા ? જસદણ પેટાચૂંટણીના સમયથી રાજકોટમાં એઈમ્સ આપવાનો નિર્ણય લેવાઈ ગયો હોવાની સરકારી દાવાનો આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જ ફૂગ્ગો ફોડી નાખ્યો હતો. આજે રાજ્ય કેબિનેટની બેઠક બાદ નીતિન પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા એઈમ્સની ફાળવણી અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. પરંતુ ગુજરાતમાં કયા સ્થળે તેની ફાળવણી કરવામાં આવશે તેનું હજુ સુધી કંઈ જ નક્કી નથી. તે અંગે કોઈ જ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી નથી.
ગુજરાતમાં રાજકોટ ખાતે એઈમ્સ આપવાના અહેવાલો અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે રાજ્ય સરકારે ગુજરાતમાં એઈમ્સ માટે બે જગ્યાઓનો સર્વે કરી કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી આપી હતી. પરંતુ હજુ સુધી તેમાંની કોઈ જગ્યા ફાઈનલ થઈ નથી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા એઈમ્સની ફાળવણી અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જસદણ પેટાચૂંટણી વખતે રાજકોટમાં એઈમ્સ આપવામાં આવી હોવાનો રાજ્યના મંત્રી સૌરભ પટેલ તેમજ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જોરશોરથી પ્રચાર પણ કર્યો હતો. રાજકોટમાં એઈમ્સની મંજૂરીની વાતને રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પ્રજાઓ વધાવી ખુશી વ્યકત કરી હતી. ત્યારે હવે આ બાબતે આજે રાજ્ય સરકારના જ ખુદ નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા સાથે હકીકત વર્ણવતા, મંત્રી સૌરભ પટેલે અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના ચૂંટણી પ્રચાર સમયે આ પ્રકારે રાજકોટને એઈમ્સ ફાળવાઈ હોવાની વિગતો વહેતી કરવાના પ્રયાસ સામે અનેક પ્રશ્નો ઊભા થવા પામ્યા છે તો તે અંગે આશ્ચર્ય સાથે ચર્ચાઓ પણ શરૂ થઈ જવા પામી છે.