(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૩
જસદણ વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થતાં હવે તેને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની જવા પામી છે. ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો માટે આ ચૂંટણી ખરાખરીનો જંગ બની રહેવાનો હોઈ તે માટે વિશેષ રણનીતિઓ ઘડવામાં આવી રહી છે. તેની સાથે સાથે બંને પક્ષો દ્વારા વિરોધી પક્ષોના કાર્યકરો-અગર્ણી નેતાઓને તોડીને પોતાના પક્ષમાં સામેલ કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલુ છ.ે ભાજપ દ્વારા ગત રોજ કોંગર્સના કેટલાક કોંગરા ખેરવ્યા બાદ હવે ભાજપના કાંગરા ખેરવવામાં કોંગ્રેસ આજે સફળ રહી છે.
રાજકોટના જસદણની પેટાચૂંટણી જીતી પોતાનો ગઢ જળાવી રાખવા કોંગ્રેસ પોતાની પૂરી તાકાત લગાવવા તત્પર બની છે. સૌરાષ્ટ્રના તમામ કોંગી ધારાસભ્યોને તે માટે મેદાને ઉતારવા કોંગ્રેસ તૈયાર થઈ છેે. જસદણમાં ભાજપના કુંવરજી બાવળિયા સામે કોને ઉમેદવાર બનાવવા તેની અંતિમ તબક્કાની ચર્ચાઓ ચાલી રહી છે જે અંગે રાજકોટમાં કોંગ્રેસની બેઠક પણ યોજાઈ છે. જેમાં જસદણ પેટાચૂંટણી જીતવા વિશેષ રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણી જીતવા માટે પૂરી તાકાત લગાવવાની વાત કહી છે. ગઈકાલે બાવળિયાના માસ્ટર સ્ટ્રોક બાદ આજે કોંગ્રેસ ભાજપમાંથી કેટલાક સભ્યોને તોડી લાવી છે.
જસદણની પેટાચૂંટણીમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે જે કોઈને ઉમેદવાર જાહેર કરાશે તે શિરોમાન્ય રહેશેની વાત કરી છે. જસદણ પેટા ચૂંટણીમાં ૮ લોકોએ દાવેદારી નોંધાવી છે. બીજીતરફ આગામી ૨૬ નવેમ્બરે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ જસદણ પેટા ચૂંટણી અને સંગઠનની નવરચનાને લઈને ચર્ચા કરશે. સંગઠનના હોદ્દેદારો સાથે પણ બેઠક કરશે.
બાવળિયાએ કોંગ્રેસમાંથી જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તોડ્યા બાદ હવે કોંગ્રેસે પણ સામે પક્ષે ભાજપમાં ગાબડા પાડવાનું શરૂ કર્યુ છે. રાજકોટ જિલ્લા ભાજપના કારોબારી સભ્ય દિલીપ રામાણી કોંગ્રેસમાં જોડાયા છે. આ ઉપરાંત જસદણ તાલુકા કારોબારી સભ્ય રોહિત મારકણા તેમજ મેહુલભાઈ સંઘવી જસદણ ભાજપ મીડિયા સેલમાંથી રાજીનામુ આપી કોંગ્રેસમાં જોડાયા છે.