અમદાવાદ, તા.૧
ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મદિન ઈદે મિલાદ તા.૦ર/૧ર/ર૦૧૭ શનિવારના રોજ અમદાવાદ તથા ગુજરાત ભરમાં ઉજવવામાં આવશે. ગુજરાતના મુસ્લિમ બિરાદરોએ ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને શાંતિથી ઈદે મિલાદનો તહેવાર મનાવાશે ત્યારે અમદાવાદના જમાલપુર દરવાજા પાસેથી હજારોની સંખ્યામાં મુસ્લિમોએ એકઠા થઈ એક ભવ્ય જુલૂસ કાઢી શહેરના જમાલપુર ચકલા, ખમાસા, કારંજ, ત્રણ દરવાજા, રિલીફ રોડ, દીનબાઈ ટાવર થઈ આ વિશાળ જુલૂસ મિરઝાપુર ચોકમાં સભાના સ્વરૂપમાં ફેરવાશે. જ્યાં કુરેશ જમાત દ્વારા ઈદે-મિલાદ જુલૂસ કમિટીના મેમ્બર અને હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવશે. ઈદે મિલાદ સેન્ટ્રલ કમિટીના ચેરમેન મોહંમદહુસેન શેખ તથા જનરલ સેક્રેટરી હબીબ મેવ, જી.પી.ચાલા, રફીક નગરીએ જણાવ્યું હતું.
પયગમ્બર સાહેબના સંદેશ શાંતિ, સદ્‌ભાવના, પ્રેમ અને માનવજાતના કલ્યાણ માટે તેઓ સૃષ્ટિના મુસ્લિમો જ નહીં પરંતુ તમામ માનવજાત માટે રહેમત બનીને આવ્યા હતા. તેમનો જન્મદિવસ આન, બાન, શાનથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
ચાલુ વર્ષે ઈદે-મિલાદ કમિટી દ્વારા ૧ ઊંટ નગારા સાથે ૧૧ ઘોડા (જેમાં ચાર ઘોડા નિશાન ડંકા સાથે, ર૩ પાણીની ટ્રકો, ૪ બેન્ડ, પ અખાડા, ૧ર લારી હાથ સાધનો સાથે, ર૦ ઢોલ ત્રાસા પાર્ટી, ર૮ ઊંટગાડી, ૧૦ ટ્રક પબ્લિક કેરિયર લાઉડ સ્પીકર સાથે મિલાદ પઢવા માટે, ૬ ઊંટ લારી લાઉડ સ્પીકર સાથે, ૮ મિલાદ પઢનાર પાર્ટી લાઉડ સ્પીકર સાથે, ર ઘોંસા (મોટા નગારા), ૧ ઊંટગાડીમાં ઢોલતાંસા પાર્ટીની પરવાનગી માંગવામાં આવેલી અને ૧ ઘોડાની બગીની પરવાનગી આપી છે. બપોરે ઝોહરની નમાઝ બાદ ર.૩૦ વાગે જમાલપુર દરવાજા પાસેથી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મોટર ટ્રક, ઊંટગાડા, અખાડા, બેન્ડબાજા, નિશાન, ગાદીઓ સાથે હજારો મુસ્લિમ બિરાદરો આ જુલૂસમાં સામેલ થશે ત્યાં એકતા સમિતિના સભ્યો તથા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સામાજિક આગેવાનો મુસ્લિમ અગ્રણીઓ તથા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનરો આ પ્રસંગને બિરદાવી શુભેચ્છા પાઠવશે. આ દિવસની મહત્તા તથા માનવતા, ઈન્સાનિયત, શાંતિ અને ભાઈચારા તેમજ પ્રેમનો સંદેશો લઈને શહેર, રાજ્ય અને સમગ્ર દેશમાં એકતા અને સદ્‌ભાવના પ્રસરે તે હેતુથી આ જુલૂસનું આયોજન થાય છે. આ સમગ્ર જુલૂસનું સંચાલન સેક્ટર-૧ પોલીસ કમિશનરની વડપણ હેઠળ બનેલી ૬ પોલીસ અધિકારીઓની બનેલી ટીમ કરશે. જેને જાકીર કુરેશી, પૂર્વ ધારાસભ્ય ફારૂક શેખ, બબનભાઈ શેખ, ઈમ્તિયાઝ શેખ, જાવેદ શાકીવાલા, નવાબભાઈ, કલીમ ઉસ્તાદ, જાવેદ શેખ, જાવેદ બુખારી, ઉસ્માન મીઠાઈવાલા, સાદિકહુસેન શેખ, વાહીદભાઈ, મકબૂલભાઈ, હાસિમ શેખ, અકબર ઘડિયાળી, જોહર દૂધવાલા, નાસિર કાર્બેટવાલા, બીલાલ લુહાર, સિરાજ શેખ, પીરૂભાઈ, ઈકબાલ બેલીમ, ઈકબાલભાઈ પરી, ગ્યાસુદ્દીન કુરેશી, હુસેનમિયાં શેખ, ઝહીરભાઈ તેમજ કમિટીના હોદ્દો અને સભ્યોએ સાથ સહકાર મેળવી જુલૂસને સફળ બનાવવા અપીલ કરી છે એમ એક યાદીમાં જણાવાયું છે.