અમદાવાદ, તા.ર૦
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લગ્નનો મામલો ફરી એકવાર ચર્ચાની ચગડોળે ચઢ્યો છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગ્ન કર્યા જ નથી તેવું નિવેદન આપતાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ હવે આનંદીબેનના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં વડાપ્રધાન મોદીના પત્ની જશોદાબેને આનંદીબેન પટેલને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, મારા પતિ નરેન્દ્ર મોદી તો રામ જેવા છે. તેમને બદનામ કરી રાજકારણ રમવાનું બંધ કરો. પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગ્ન કર્યા છે તે વાત જગજાહેર છે. તેમ છતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે તાજેતરમાં મધ્યપ્રદેશમાં આંગણવાડીમાં કામ કરતી મહિલાઓને સંબોધતી વખતે વિવાદીત નિવેદન આપ્યું હતું કે, તમે તો જાણો જ છો કે વડાપ્રધાન મોદીએ લગ્ન નથી કર્યા છતાં તેઓ મહિલાઓ અને બાળકોની સમસ્યાઓ સમજે છે. આ વિવાદીત નિવેદનની બાબતમાં હવે નવો વળાંક આવ્યો છે. આનંદીબેનને વડાપ્રધાન મોદીના પત્ની જશોદાબેને વળતો જવાબ આપતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે જેમાં મોદીએ તેમની સાથે લગ્ન કર્યા હતા. વીડિયોમાં જશોદાબેને જણાવ્યું હતું કે, આનંદીબેન શિક્ષિત હોવા છતાં એક શિક્ષિકાના જીવન વિશે અભદ્રવાણી વ્યવહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ લગ્ન કર્યા નથી તે વાત તદ્દન ખોટી છે. મારા પતિ નરેન્દ્ર મોદી રામ જેવા છે તેમને બદનામ કરી રાજકારણ રમવાનું બંધ કરો આનંદીબેન. જશોદાબેનનું અપમાન એટલે ભારતના વડાપ્રધાનનું અપમાન છે. વધુમાં જશોદાબેને ઉમેર્યું હતું કે, નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં વડોદરા ખાતેથી ઉમેદવારી કરી ત્યારે પત્નીના ખાતામાં મારું નામ લખ્યું હતું. જેની નકલ મારી પાસે છે. છતાં આનંદીબેન પટેલે બેવડું નિવેદન કર્યું છે કે મોદીએ લગ્ન કર્યા નથી. પરંતુ મારે કહેવું છે કે અમારા લગ્ન ૧૯૬૮માં થયા હતા. આમ આનંદીબેન પટેલનું નિવેદન ખોટું છે એમ જશોદાબેને જણાવ્યું હતું.