માન્ચેસ્ટર,તા.૯
ટીમ ઇન્ડિયાનાં ઝડપી બૉલર જસપ્રિત બુમરાહે વર્લ્ડ કપ ૨૦૧૯માં હાહાકાર મચાવ્યો છે. જસપ્રિત બુમરાહે ન્યૂઝીલેન્ડની સામે વર્લ્ડ કપ ૨૦૧૯ની પહેલી ઑવર ફેંકતાની સાથે જ એક અનોખો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. જસપ્રિત બુમરાહ આ વર્લ્ડ કપમાં સૌથી વધારે મેડન ઑવર ફેંકનારો દુનિયાનો પહેલો બૉલર બની ગયો છે. જસપ્રિત બુમરાહે ન્યૂઝીલેન્ડની સામે પોતાના પહેલા સ્પેલની પહેલી ઑવર મેડન ફેંકી હતી. આ સાથે વર્લ્ડ કપ ૨૦૧૯ની નવમી મેચમાં જસપ્રિત બુમરાહે ૯ ઑવર મેડન ફેંકવાનો રેકૉર્ડ બનાવી દીધો છે. આ મામલે જોફ્રા આર્ચર બીજા નંબરે છે.
ઇંગ્લેન્ડનાં ઝડપી બૉલર જોફ્રા આર્ચરે વર્લ્ડ કપની ૯ મેચોમાં ૮ ઑવર મેડન ફેંકી છે. જણાવી દઇએ કે જસપ્રિત બુમરાહ અને જોફ્રા આર્ચર માટે આ ડેબ્યૂ વર્લ્ડ કપ છે. ચોંકાવનારી વાત એ છે કે વર્લ્ડ કપ ૨૦૧૯માં ભારતીય ટીમનાં બૉલરોએ કુલ ૧૫ ઑવરો મેડન ફેંકી છે, જેમાંથી ૯ ઑવર બુમરાહે મેડન ફેંકી છે.
જસપ્રિત બુમરાહે જ્યાં ૯ ઑવર મેડન ફેંકી છે તો અન્ય ભારતીય બૉલરો ફક્ત ૬ ઑવર જ મેડન ફેંકી શક્યા છે. જસપ્રિત બુમરાહે આ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે પહેલી વિકેટ લેતા જ પોતાની ૧૮ વિકેટો પુરી કરી છે.