મુંબઇ,તા.૨૪
વન ડે ક્રિકેટમાં દુનિયાના નંબર બોલર જસપ્રીત બુમરાહ ચાર મહિના બાદ ફરીથી ટીમ ઈન્ડિયા માટે તહેલકો મચાવવા તૈયાર થઈ ગયો છે. તે નવા વર્ષના પહેલાં અઠવાડિયામાં શરૂ થનાર શ્રીલંકા સામેની ટી૨૦ સીરિઝમાં એક્શનમાં જોવા મળશે. બુમરાહ ગત સપ્ટેમ્બરમાં સ્ટ્રેસ ફ્રેક્ચરનો શિકાર થયો હતો અને તેને કારણે સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડીઝ સામે ઘરેલું સીરિઝમાં રમી શક્યો ન હતો. પણ શ્રીલંકા સામેની મેચ પહેલાં તે રણજી ટ્રોફીની મેચ રમશે, પણ આ મેચમાં તે એક દિવસમાં માત્ર ૧૨ ઓવર જ બોલિંગ નાખી શકશે. તેનાથી વધારે બોલિંગ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
બુમરાહ પોતાની ઈજાની સારવાર બાદ ટીમમાં વાપસી કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો. આ વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ સામે સીરિઝ દરમિયાન વિશાખાપટ્ટનમમાં તે નેટ પ્રેક્ટિસ સમયે બોલિંગ કરતાં પણ જોવા મળ્યો હતો. આ પહેલાં તેને ટીમ ઈન્ડિયામાં વાપસી કરે તે પહેલાં પોતાની લય હાંસલ કરવા માટે રણજી ટ્રોફીની મેચ રમવા માટે કહેવામાં આવ્યું છે. તે સૂરતમાં કેરળની સામે ગુજરાતની આગામી રણજી મેચ રમશે.
આ માટે ટીમનાં ફિજિયો નીતિન પટેલની મંજૂરી મળી ગઈ છે. ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ જાતે સુરત આવી રહ્યા છે અને બુમરાહની બોલિંગ પર તે નજર રાખશે. સિલેક્ટરોએ બુમરાહના સંદર્ભમાં ગુજરાતનાં કેપ્ટન પાર્થિવ પટેલને પણ મહત્વપુર્ણ સલાહ સૂચન કર્યા છે. પટેલને કહેવામાં આવ્યું છે કે, બુમરાહ મેચ રમશે, પણ તે ૧૨ ઓવરથી વધારે ઓવર નહીં કરે.