દેવગઢબારીઆ,તા.૧૯
ગુજરાત સરકારના રમતગમત, યુવા સાંસસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા બે દિવસીય ૧૫મો ગ્રામિણ ઓલિમ્પિક-૨૦૧૮ ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના સ્વ.જયદિપસિંહજી જિલ્લા રમતગમત સંકુલ, દેવગઢબારીયા ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે સ્વ.મહારાજા જયદિપસિંહજીએ ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા પુરી પાડેલ સંકુલની જગ્યા અને તેમના રમતગમત પરત્વેના આગવા પ્રદાનને યાદ કર્યા હતા. આ પ્રસંગે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના સચિવ ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગ્રામિણ રમતોને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે તે ક્ષેત્રમાં રમાતી રમતોને ઉજાગર કરવા માટે આ ગ્રામિણ ઓલિમ્પિકનું આયોજન કર્યુ હતુ. જેમાં તરણેતરના મેળામાં, ડાંગ દરબાર, દશેરાના મેળામાં આવી ગ્રામિણ રમતોને મેદાન પર લાવી ખેલાડીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવામાં આવી. આ પ્રસંગે વિવિધ રમતોમાં વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામ મંત્રી મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર વિજય ખરાડીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે હાર જીતને ધ્યામાં ન લેતાં ખેલદીલી પૂર્વક પોતાની શક્તિઓ મેદાન પ્રદર્શિત કરવી જોઇએ.
આ પ્રસંગે આભારવિધિ જિલ્લા રમતગમત અધિકારી વિરલ ચૌધરીએ જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુખ્ય શિક્ષક રોહિત પંડ્યાએ કર્યુ હતું. જ્યારે પૂર્વ ધારા સભ્ય તુષારબાબાએ પ્રાસંગોચિત પ્રવચન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલ, પ્રાંત અધિકારી એ.યુ.સુથાર, તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠવા, તત્કાલિન પ્રવાસન રાજ્ય મંત્રી ઉર્વશી દેવીજી, નગરપાલિકા પ્રમુખ ફારૂખભાઇ ઝેથરા, વાલીઓ, નગરજનો તથા કોચ – ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.