અમદાવાદ,તા.૨૩
ગુજરાત સીઆઇડી ક્રાઇમ બ્રાંચમાં માર્ચ મહિનામાં ૧૨ કરોડના બિટકોઇન લૂંટી લેવાની નોંધાયેલી ફરિયાદમાં ભાગેડુ આરોપી જતિન પટેલે સોમવારે સાંજે અમદાવાદ કોર્ટ સામે શરણાર્ગતિ સ્વીકારી હતી. કોર્ટે જતિન પટેલને જુડિશ્યલ-કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરી સુનાવણી માટે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને નોટિસ પાઠવી હતી. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ દ્વારા સીઆઇડીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે અમરેલી પોલીસ અને નલિન કોટડીયા તેમજ તેમના સાગરિતો દ્વારા તેમના આ અપહરણનું કાવતરૂ ઘડી તેમનું ગાંધીનગરથી અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની પાસે રહેલા બાર કરોડ રૂપિયાની કિંમતના બિટકોઇન લૂંટી લેવામાં આવ્યા હતા. આ મામલે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા અમરેલીના એસ.પી જગદીશ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા દ્વારા સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં સુરતના બે વ્યક્તિની ભૂમિકા મહત્ત્વની હોવાનું જાણવા મળ્યું હતું. આ આખો પ્લાન રચવા માટે સુરતના કિરીટ પાલડીયા અને એડવોકેટ કેતન પટેલ મહત્વના હતા. સીઆઇડીની તપાસમાં બહાર આવ્યું કે કેટલીક મહત્વની બેઠકોમાં કેતન પટેલનું ભાઈ જતિન પટેલ પણ હાજર હતો તેમજ બિટકોઇન લૂંટી લીધા બાદ તેની ચૂકવણી આંગડિયા દ્વારા થઈ હતી તે કામગીરી જતીન પટેલે કરી હતી. પોલીસે આ મામલે તમામ સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ એડવોકેટ કેતન પટેલની ધરપકડ વાત તેનો ભાઈ જતીન ફરાર હતો.