(એજન્સી) અલ્હાબાદ, તા.૩
અલ્હાબાદ હાઈકોર્ટના જજ રંગનાથ પાંડેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં જજ પાંડેએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂકો સામે પ્રશ્ન કરી ગંભીર આક્ષેપો મૂકયા છે. જજ પાંડેએ લખ્યું છે કે, ઉચ્ચ ન્યાયતંત્ર વંશવાદ અને જાતિવાદના દૂષણથી ગ્રસ્ત છે. અહીં જજના પરિવારનો સભ્ય હોવો જ આગળના જજ માટેની ગેરંટી માનવામાં આવે છે. એમણે દાખલો આપતા કહ્યું કે, રાજકીય કાર્યકર્તાઓનું મૂલ્યાંકન ચૂંટણીમાં લોકો દ્વારા કરવામાં આવે છે. સનદી સેવાઓમાં અધિકારીઓની નિમણૂક પરીક્ષાઓ દ્વારા થાય છે, પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂક માટે અમારી પાસે કોઈ નિશ્ચિત માપદંડ નથી. જજ પાંડેએ આક્ષેપો મૂકતા કહ્યું, એના માટે એક જ પરીક્ષા છે. એ છે જાતિવાદ અને પરિવારવાદ. જજે લખ્યું છે કે, ૩૪ વર્ષની કારકિર્દી દરમિયાન એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કેટલાક જજો સાથે મળી ચૂકયા છે. જેમની પાસે સામાન્ય કાયદાનું જ્ઞાન પણ નથી. કોલેજિયમ સમિતિના સભ્યોની પસંદગી ન હોવાથી જજ તરીકે નિમણૂક આપી દેવામાં આવે છે. એમના પત્ર મુજબ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોની પસંદગી પ્રક્રિયા બંધ રૂમમાં ચાની પાર્ટી વખતે જ પૂર્ણ કરવામાં આવે છે. જો કે, રાજ્યો હેઠળ કાર્ય કરતી કોર્ટોમાં જજોની નિમણૂકો રાજ્ય લોકસેવા આયોગની નિમણૂક પ્રક્રિયા મુજબ રાજ્યોની હાઈકોર્ટની નિગરાની હેઠળ થાય છે. જજ પાંડેએ લખ્યું છે કે, આ પહેલાંના તમારા કાર્યકાળમાં રાષ્ટ્રીય ન્યાયીક પસંદગી આયોગની સ્થાપનાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તે વખતે સમગ્ર દેશમાં પારદર્શિતતા બાબતે આશા દેખાઈ હતી, પણ સુપ્રીમ કોર્ટે આ વાતને પોતાના અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ ગણી આ આયોગ (એનજેએસી) જ રદ્દ કર્યો. સુપ્રીમ કોર્ટની અતિ સક્રિયતા સામે બધા આશ્ચર્યમાં પડી ગયા હતા.