(એજન્સી) નવી દિલ્હી,તા. ૧૯
ભારતમાં #Me Too કેમ્પેનમાં આરોપી દેશની મોટી સેલિબ્રિટી મેનેજમેન્ટ એજન્સી ક્વાન એન્ટરટેઇનમેન્ટના સહ-સ્થાપક અનિર્બન દાસ બ્લાહે ગુરૂવારે મોડી રાત્રે ૧૨-૩૦ વાગ્યાના સુમારે મુંબઇના વાશી સ્થિત જૂના બ્રિજ પાસે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એક મહિલા દ્વારા બ્લાહ સામે જાતીય સતામણીનો આરોપ મુકવામાં આવ્યો હોવાથી તેમને પોતાનો હોદ્દો છોડવાનું કહેવામાં આવ્યું છે. વાશી ટ્રાફિક પોલીસે કથિત આત્મહત્યાનો પ્રયાસ કરવા વિશે આ માહિતી આપી છે. પોલીસે બ્લાહને આત્મહત્યાનો પ્રયાસ કરતા અટકાવ્યો હતો.વાશીના સીનિયર ટ્રાફિક પોલીસ ઇન્સપેક્ટરે જણાવ્યું કે અમને એવી માહિતી આપવામાં આવી હતી કે કોઇ એકલી વ્યક્તિ વાશી બ્રિજ તરફ સુસાઇડ કરવા જઇ રહી છે. અમે કોઇ પણ રિસ્ક લેવા માગતા ન હતા તેથી અમે ત્યાં અંધારામાં છટકું ગોઠવી રાખ્યું હતું. અનિર્બન બ્લાહને બ્રિજના બેરિકેડ પર ચડતા જોઇને પોલીસે તેમને પકડી લીધા હતા અને પાછા નીચે લઇ આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે અનિર્બન બ્લા રડી રહ્યા હતા. તેઓ ભારે ઉદાસ અને હતાશ દેખાઇ રહ્યા હતા. પોલીસે તેમને પાછા લઇજઇને પાણી પીવડાવ્યું અને તેમની સમસ્યા વિશે પૂછ્યું તો તેમણે બતાવ્યું કે ‘મી ટુ મૂવમેન્ટ’ હેઠળ જાતીય સતામણીના આરોપને કારણે તેઓ ભારે નિરાશ છે. વરિષ્ઠ પોલીસ અધિકારી અનિલ દેશમુખે જણાવ્યું કે અમે બ્લાહના પરિવાર અને મિત્રોને જાણ કરીને બોલાવ્યા હતા અને તેઓ પોલીસ સ્ટેશને આવીને તેમને લઇ ગયા હતા. બ્લાહે અન્ય ૯ પાર્ટનર્સ સાથે ક્વાન એન્ટરટેઇનમેન્ટની સ્થાપના કરી હતી અને તેમનામાંથી ચાર યુવતીઓએ તેમને મી ટુ અભિયાન હેઠળ જાતીય સતામણીના આરોપ મુક્યા છે અને તેના કારણે તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ કંપની બોલિવૂડમાં ઋૃતિક રોશન, રણબીર કપૂર, ટાઇગર શ્રોફ, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, શ્રદ્ધાકપૂર અને જેકલીન ફર્નાન્ડીઝ જેવા મોટા સ્ટાર્સને મેનેજ કરી રહી છે. ચાલુ સપ્તાહના પ્રારંભમાં એન્ટરટેઇનમેન્ટ અને માર્કેટિંગ કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમે તાકીદની અસરથી અનિર્બનને ક્વાન અને તેની પેટાકંપનીઓ તેમ જ તેની સાથે સંલગ્ન કંપનીઓમાંથી પોતાની ફરજ, પ્રવૃત્તિઓ અને જવાબદારીઓમાંથી ખસી જવાનું કહી દીધું છે.