અમદાવાદ, તા.૨૪
અમદાવાદ શહેરમા આ વર્ષે પડેલા ૪૧ ઈંચથી પણ વધુ વરસાદને પગલે અમદાવાદ શહેરમા તુટેલા રસ્તાઓ બાદ હાઈકોર્ટમા કરવામા આવેલી પીટીશનની આવતીકાલે સોમવારના રોજ સુનાવણી હાથ ધરવામા આવનાર છે આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના મુદ્દે હાઈકોર્ટ પાસે વધારાના સમયની માગ કરવામા આવી શકે એવી સંભાવના હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.આ અંગેની વિગત એવી છે કે,આ વર્ષે અમદાવાદ શહેરમા અગાઉની સરખામણીમા ૪૧ ઈંચ જેટલો ભારે વરસાદ પડયા બાદ શહેરના છ ઝોનમા આવેલા મુખ્ય અને આંતરીક એમ કુલ મળીને ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામ્યા હતા આ રસ્તાઓ ઉપર બધુ મળીને કુલ ૪,૫૦૦ જેટલા ખાડા પણ પડવા પામ્યા હતા આ બાબતનો મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે પણ મ્યુનિસિપલ બોર્ડની મળેલી સામાન્ય સભામા સ્વીકાર કર્યો હતો.બીજી તરફ અમદાવાદ શહેરમા તુટેલા રસ્તાઓના મામલે ચોતરફથી તંત્રની ટીકા થવાની સાથે જ હાઈકોર્ટમા રીટ પીટીશન પણ દાખલ કરવામા આવતા હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને તેમના તંત્રને ગત મુદત સમયે તેઓ શહેરના તુટેલા રસ્તાઓ મામલે ખરેખર શુ કરવા માંગે છે તેના પ્લાનિંગ સાથે તેમજ કેટલા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામા આવી તેની વિગત સાથે ૨૫ સપ્ટેમ્બરના રોજ હાજર થવાનો આદેશ કરતા આવતીકાલે મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાનો પક્ષ આ મામલે રજુ કરવા જઈ રહ્યુ છે.બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, આવતીકાલે મ્યુનિસિપલ કોર્પોરેશન વિજિલન્સના અંતિમ અહેવાલ અને અધિકારીઓની સામે કાર્યવાહી કરવાના મામલે વધુ સમયની માગ કરી શકે છે.સૂત્રોનુ કહેવુ છે કે,તંત્ર તરફથી એવી દલીલ કરવામા આવશે કે હાલના સમયમા શહેરના ખરાબ રસ્તાઓનુ રીસરફેસીંગ પુરૂ કરવુ એ મહત્વની બાબત હોઈ વિજિલન્સનો અહેવાલ રજુ કરવા કોર્ટ દ્વારા વધુ સમય આપવામા આવે એવી માગણી થઈ શકે છે આ સાથે જ તંત્ર એવી પણ દલીલ રજુ કરશે કે જો હાલના સમયમા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામા આવે તો તેની અસર શહેરના તુટેલા રસ્તાઓના રીસરફેસીંગ ઉપર પડી શકે છે. દરમિયાન અમદાવાદ શહેરના તુટેલા રસ્તાઓ મામલે હાઈકોર્ટમા કરવામા આવેલી રીટપીટીશન બાદ હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામા આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્ર દ્વારા હાઈકોર્ટ તરફથી શહેરના બનેલા રસ્તાઓ મામલે કોન્ટ્રાકટરો દ્વારા કરવામા આવેલી કામગીરી અંગેની મેજરમેન્ટ બુકની માગ કરવામા આવતા આ મેજરમેન્ટ બુક મોકલી આપવામા આવી હોવાનુ સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.