જૂનાગઢ જિલ્લાના તાલુકા મથકોએ યોજાશે કાર્યક્રમ
(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૭
માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આજે લોકશાહીનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે પોતાની માંગણીઓને લઈને હાર્દિક પટેલ રપ ઓગષ્ટથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનને કચડી નાંખવા સરકાર શામ, દામ, દંડ, ભેદ તમામ નીતિ અપનાવી રહી છે. આ વખતે હાર્દિક પટેલે શરૂ કરેલું આંદોલન સંપૂર્ણ ગાંધીચિંધ્યા માર્ગે છે અને લોકશાહીમાં આ પ્રકારે સરકારની નીતિ-રીતિનો વિરોધ કરવો એ એમનો અને કોઈપણ નાગરિકનો બંધારણીય અધિકાર છે. પરંતુ આ સરકાર અંગ્રેજો કરતા પણ ક્રુર અને નિષ્ઠુર રીતે દમનનો કોરડો વિંઝીને લોકશાહીનું ગળું ઘોટી રહી છે. એક જાગૃત નાગરિક તરીકે આપણી સૌની ફરજ છે કે હાર્દિકને સાચી લડાઈમાં આપણે સૌ સાથ આપીએ. સરકારની સરમુખત્યાર શાહી સામે લોકશાહીને જીવંત રાખવા અને સરકારના બહેરા કાનો સુધી સાચી વાત પહોંચાડવા હું પ્રતિકાત્મક ઉપવાસ આંદોલનની જાહેરાત કરૂં છું. પક્ષ, નાત, જાત કે ધર્મના ભેદભાવ વગર આપ સૌને તેમાં જોડાવા અરજ કરૂં છું.