(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા. ૨૬
શહેરના પીરાણા રોડ પર આવેલા ગણેશનગર ખાતે કેટલીક ફેકટરીઓવાળા તેમની ફેકટરીમાંથી ઉપયોગમાં લેવાયેલી આગમાં ધગધગતી રેતી જેવો કોઈ પદાર્થ જાહેર રોડ ઉપર ફેકીને જતા રહે છે ત્યારે ઉપરથી સામાન્ય રીતે લાગતા આ જ્વલનશીલ પદાર્થથી દાઝી જવાતા છાશવારે બનાવો બને છે જેમાં તાજેતરમાં ગોમતીપુરના એક ગરીબ દંપતી ટુ વ્હીલર લઈને જઈ રહ્યા હતા, જેઓ અકસ્માતે જાહેર રોડ પર પડેલા જ્વલનશીલ પદાર્થમાં પડી જતા મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી તેને બચાવવા જતા પતિ પણ દાઝી ગયો હતો. ત્યારે સારવાર લઈ રહેલા આ દંપતીમાંથી મહિલાનું સારવાર દરમ્યાન તાજેતરમાં જ મોત નિપજ્યું છે ત્યારે આ ગંભીર કૃત્ય કરનાર લોકો સામે તંત્ર કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું ? પરંતુ આ રીતે જાહેર રોડ ઉપર જ્વલનશીલ પદાર્થ ફેંકનારાને કોઈપણ હાલતમાં છોડવા જોઈએ નહીં તેમની સામે કડકમાં કડક પગલા ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા અન્સારી સલમાબાનુ નિઝામુદ્દીન તેમના પતિ નિઝામુદ્દીન અન્સારી સાથે તા.રર જૂનના રોજ સાંજે સ્કૂટી ઉપર બેસીને પીરાણા જઈ રહ્યા હતા. ત્યારે ગણેશનગરમાં ટોરેન્ટ પાવર પાસે પહોંચ્યા તો સામેથી એક પૂરઝડપે વાહન આવતા નિઝામુદ્દીન અન્સારીએ તેમની સ્કૂટી પરથી કાબુ ગુમાવતા સ્કૂટી રોડ પરથી નીચે ઉતરી જતા સ્લીપ ખાઈ ગઈ હતી. જેના લીધે સલમાબાનુ નીચે પડી ગયા હતા. તેઓ જે જગ્યાએ પડ્યા ત્યાં ધગધગતી રેતી જેવો કોઈ પદાર્થ પડ્યો હતો તેથી તેઓ દાઝવા લાગ્યા હતા. તેથી તેમણે બૂમાબૂમ કરતા તેમના પતિ નિઝામુદ્દીને ધગધગતી માટીમાં આવીને પત્નીને ખેંચીને બહાર લઈ ગયા હતા તે વખતે તેઓ પણ બંને પગમાં દાઝી ગયા હતા. ત્યારબાદ બૂમાબૂમ થતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા.
ત્યારબાદ દાઝી ગયેલા દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી પણ કરાઈ હતી. તે દરમ્યાન ગંભીર રીતે દાઝેલા સલમાબાનુ અન્સારી (ઉ.૪૩)નું સારવાર વેળા જ મોત નિપજ્યું છે. જેના લીધે પરિવારજનોમાં આ જાહેર રોડ ઉપર ધગધગતી રેતી જેવો પદાર્થ નાખનાર પ્રત્યે રોષની લાગણી પ્રવર્તી છે.
આ સમગ્ર મામલે ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખે જાહેર રોડ ઉપર ધગધગતી રેતી જેવો પદાર્થ નાખનારા સામે કડક પગલા ભરવાની માંગ કરી છે. તેમજ આ ગંભીર બનાવમાં દાઝી જતા મૃત્યુ પામેલા સલમાબેનના પરિવારને ઝડપથી વળતર આપવાની માંગ પણ કોર્પોરેટર ઈકબાલ શેખે કરી છે. કડક પગલા ભરવાની માંગ કરતા ઈકબાલ શેખે જણાવ્યું હતું કે પીરાણા રોડ પર ગણેશનગર પાસે જાહેર રોડ ઉપર ફેકટરીઓવાળા ધગધગતી રેતી નાંખી દે છે જેના લીધે અત્યાર સુધી ર૦થી રપ બનાવો દાઝી જવાના બન્યા હોવાનું મારા ધ્યાને આવ્યું છે. તેમજ આ બનાવમાં દાઝેલા સલમાબેન મોતને ભેટ્યા તે ગંભીર બાબત છે. ત્યારે આ ઘટના પરથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અને પ્રદૂષણ બોર્ડ તથા પોલીસ તંત્ર યોગ્ય પગલા ભરીને આવા જાહેર રોડ પર જ્વલનશીલ પદાર્થ ફેકી સામાન્ય પ્રજાને નુકસાન પહોંચાડનારાને જેલ ભેગા કરી દે તો પણ ઓછું કહેવાશે. ત્યારે તંત્ર આ ઘટનાથી પણ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે કે શું ?