(એજન્સી) નવી દિલ્હી, તા.૪
દેશમાં ધર્મ અને જાતિ આધારીત ભેદભાવનો ભોગ સામાન્ય જનતા બનતી હોવાના કિસ્સા અવારનવાર બનતાં હોય છે. પરંતુ હવે, ભારતીય સેનાના એક જવાને પોતાની જ યુનિટ પર આ મામલે આરોપ મૂક્યો છે. જવાને એક વિડિયો જારી કર્યો છે.જેેમાં તેને યુનિટના ડાઈનિંગ હોલમાં જમવાની ના પાડી હોવાનું જણાવ્યું છે. જવાનનું કહેવું છે કે, તેની સાથે જાતિ આધારીત ભેદભાવ કરવામાં આવ્યો છે. અને તેને જાતિસૂચક શબ્દો વડે અપમાનિત કરવામાં આવ્યો હતો. તદુપરાંત તેને ત્યાંથી ધક્કો મારી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે, મને કહેવામાં આવ્યું હતું કે, તુ નીચી જાતિમાંથી આવે છે. તેથી ઊંચી જાતિના લોકો સાથે બેસી જમી શકે નહીં.
આ જવાન ૨૬ રાષ્ટ્રીય રાઈફલ કુમાયુ રેન્જીમેન્ટમાં જમ્મુના કિશ્તવાડમાં તૈનાત છે. તેનુ નામ કમલેશભાઈ ગોકુલભાઈ છે. તે સિપાહી પોસ્ટ પર કાર્યરત છે. તે મૂળ ગુજરાતના સોમનાથનો વતની છે. કમલેશે આ મામલે વડાપ્રધાન મોદી સમક્ષ ન્યાયની માગ કરી છે. તેણે વધુમાં જણાવ્યું કે,તેનું બાળપણથી જ સેનામાં જઈ દેશની સેવા કરવાનું સ્વપ્ન હતું.