(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૭
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(આઇસીસી)ના અધ્યક્ષ અહેસાન મની બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે પણ શુક્રવારે ભારતને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ મિયાંદાદે કહ્યું કે આઈસીસીએ વર્લ્ડની બીજી ટીમોને ભારતનો પ્રવાસ કરવાથી રોકવી જોઈએ. મિયાંદાદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,‘પાકિસ્તાન નહીં પરંતુ ભારત અસુરક્ષિત દેશ છે. ત્યાં પર્યટક અસુરક્ષિત છે. મનુષ્ય હોવાના કારણે આપને તેમની સામે આવાજ ઉઠાવવો જોઈએ અને વિરોધ કરવો જોઇએ. આખી દુનિયા જોઈ રહી છે કે ભારતમાં શું થઈ રહ્યું છે. હું પાકિસ્તાન તરફથી વાત કરી રહ્યો છું અને મારું માનવું છે કે ભારત સાથે દરેક પ્રકારના રમત સંબંધો તોડી નાખવા જોઈએ.’ આપને જણાવી દઈએ કે આ પહેલા પીસીબીના અધ્યક્ષ અહેસાન મનીએ કહ્યું હતું કે નાગરિકતા સંશોધન કાયદો (CAA) ને લઈ થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે બીજી ટીમોએ ભારત પ્રવાસ ટાળવો જોઈએ. તેમણે શ્રીલંકા સામેની ઘરેલું ટેસ્ટ શ્રેણીની સમાપ્તિ પછી કહ્યું હતું કે ભારતમાં તેમના દેશ(પાકિસ્તાન) કરતા વધુ સુરક્ષા જોખમમાં છે.