(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૪
સુપ્રીમકોર્ટે સોમવારે ફરીથી જય અમિત શાહ અને ‘ધ વાયર’ને કોર્ટ બહાર સમાધાન કરવા સલાહ આપી હતી પણ ધ વાયરે સ્પષ્ટતા કરી કે અમે માફી નહીં માંગીએ પણ સ્પષ્ટીકરણ આપીશું. સુપ્રીમકોર્ટે કહ્યું કે આ પ્રકારના વિવાદ માટે કોર્ટમાં જવાની શું જરૂર છે. આનું સમાધાન થઈ શકે છે. સુપ્રીમકોર્ટ અમિત શાહ દ્વારા વાયર સામે દાખલ કરેલ બદનક્ષીના કેસની સુનાવણી કરી રહી હતી જે દરમિયાન કોર્ટે સલાહ આપી હતી. સીજેઆઈએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, અમે પ્રેસની સ્વતંત્રતામાં વિશ્વાસ ધરાવીએ છીએ. અમે પ્રેસના અવાજને દબાવવાના પ્રયાસો નહીં કરીએ. જય શાહના વકીલે કહ્યું કે વાયરે કંપનીની આવક બાબતે પ્રશ્નો ઉઠાવ્યા હતા. એની સામે જજે કહ્યું કે, તમે જાહેર જીવન સાથે સંકળાયેલ છો જેથી એના લાભો પણ હોય અને નુકસાન પણ હોય. મીડિયા થોડાક મમરા મસાલા તો નાંખશે. જયના વકીલે કહ્યું કે, મારો અસીલ જાહેર જીવન સાથે સંકળાયેલ નથી. વાયરના વકીલે જણાવ્યું કે, અમે માફી નહીં માંગીએ, જો જય શાહ સ્પષ્ટીકરણ કરવા જણાવશે તો કરવામાં આવશે.