(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૩
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિધાનસભાની ચૂંટણીને લઈને સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આજે ફરી એકવાર ગુજરાત આવી પહોંચેલ અમિત શાહે અમદાવાદમાં પોતાના પુત્ર જય શાહની કંપની સામેના આક્ષેપોનો પ્રથમવાર જવાબ વાળતાં જય શાહની કંપનીએ સરકાર સાથે કોઈ કારોબાર કર્યો નથી કે જમીન પણ લીધી નથી અને ભ્રષ્ટાચારનો કોઈ મામલો નથી જો કોંગ્રેસ પાસે કોઈ પુરાવા હોય તો તે રજૂ કરે. આ સાથે પાટીદારોની નારાજગી અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે જો તેઓમાં સમાધાન પછી પણ કોઈ અસંતોષ હોય તો તેમને એટલું જરૂરથી કહીશ કે, તેમના પ્રશ્નોનો હલ રાહુલ કે કોંગ્રેસ ક્યારેય કરી નહી શકે મોદી અને ભાજપ જ તે હલ કરી શકશે. અમદાવાદમાં આયોજિત એક રાજકીય ચર્ચાના કાયક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રથમવાર જય શાહની કંપની સામે આર્થિક અનિયમિતતાના થયેલા આક્ષેપોનો જવાબ વાળ્યો હતો. તેમણે જવાબ વાળતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, જય શાહે સરકાર પાસેથી કોઈ જમીન લીધી નથી, કોઈ કોન્ટ્રાકટ લીધો નથી. તેની સાથે કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચારનો મામલો પણ નથી. કોંગ્રેસ કોર્ટમાં આ અંગેના પુરાવા રજૂ કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સ્વતંત્રતાના ૭૦ વર્ષમાં કોંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારના તમામ આક્ષેપો થયા છે. આજ સુધી કોંગ્રેસે ક્યારે કોઇ માનહાનિ કેસ કર્યો નથી. શાહે કહ્યું હતું કે, તેમના પુત્રએ કોર્ટમાં જઇને ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરી દીધો છે. આ મામલામાં પોતે જ તપાસની માંગણી કરી છે. અમારા પર આક્ષેપ મુકવામાં આવ્યા છે. અમે કોંગ્રેસ પર આટલા આક્ષેપો થયા છતાં તે લોકોએ આક્ષેપો કરનાર ઉપર માનહાનીના કોઇ કેસ કર્યા ન હતા. અમિત શાહે સમગ્ર મામલામાં વિસ્તારથી જવાબ આપતા કહ્યું હતું કે જયની કંપની કોમોડિટિઝ એક્સ્પોર્ટનો કારોબાર કરે છે.
આ કંપનીનું ટર્નઓવર ૫૦,૦૦૦ રૂપિયાથી વધીને ૮૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. પરંતુ ધ્યાન આપવાની બાબત એ છે કે, ટર્નઓવર અને નફામાં અંતર હોય છે. કંપની કોમોડિટીના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો કારોબાર કરે છે જેથી ટર્ન ઓવર મોટુ છે. રોહિગ્યા મામલે તેમણે કહ્યું હતું કે, આ માનવ અધિકારનો મામલો નથી. રોહિંગ્યાને લઇને સુરક્ષા સાથે બાંધછોડ કરી શકાય નહીં. પાટીદારોની નારાજગી અંગેના પ્રશ્નના જવાબમાં શાહે જણાવ્યું હતું કે સરકારે પાટીદાર સમાજ સાથે બેઠક કરી તેમની માગણીઓ સ્વીકારી પણ લીધી, તેમ છતાં કેટલાક લોકોના મનમાં હજુ અસંતોષ છે તેવું જણાય છે. તો હું એટલુ તેમને કહેવા માંગુ છું કે તેઓના અસંતોષનો હલ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ ક્યારેય કરી નહીં શકે, તેમના પ્રશ્નોના હલ માત્રને માત્ર નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ જ કરી શકે એમ છે. અમિત શાહે કોંગ્રેસ ઉપર વધુ પ્રહારો કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસનો કોઈ મુદ્દો જ નથી, કોંગ્રેસ વિકાસ કરી જ નથી શકતી, તેને વિકાસ કરતાં આવડતું જ નથી. એ સમગ્ર દેશની પ્રજા જાણી ચૂકી છે. આજે આટલા વર્ષો પછી પણ રાહુલ ગાંધી પોતાના વિસ્તાર અમેઠીમાં વીજળી કલેકટર ઓફિસ સહિતના પ્રાથમિક વિકાસ કામો પણ કરી નથી શક્યા.