(એજન્સી) કૈરાના, તા.૧
કૈરાના લોકસભાની બેઠકની ચૂંટણી સમયે સપા અને રાષ્ટ્રીય લોકદળ એક મંચ ઉપર આવ્યાની ઘટના વિપક્ષો માટે સંજીવની બનીને આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ રાજકીય દોસ્તીની શરૂઆત ફક્ત એક સંદેશાથી થઈ. રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરી બતાવે છે કે મે એક મેસેજ મોકલ્યો. ૧ કલાક બાદ મારા પર તેમનો કોલ આવ્યો. અમારી મુલાકાત માટે ભૂમિકા તૈયાર થઈ ગઈ હતી ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે ત્રણ કલાક લાંબી ચર્ચા થઈ. આ મુલાકાત બાદ સાંપ્રદાયિક ધ્રુવીકરણ ઝીલી રહેલા કૈરાનામાં સપા-લોકદળની દોસ્તી થઈ. ત્યારબાદ સ્થાનિક નેતાઓનો સંપર્ક અને ગામડામાં લોક સંપર્ક માટે જયંત ચૌધરીએ કોઈ કસર રાખી નહીં. લોકદળના મહાસચિવ ત્રિલોક ત્યાગી કહે છે કે જયંત ચૌધરીએ પહેલ કરી રાજનીતિક પરિપક્વતાનો પરિચય આપ્યો. અખિલેશનું મોટું દિલ અને ચૌધરીની રાજકીય નિપૂણતાથી ગઠબંધન મજબૂત બન્યું. અજીતસિંહ અને મુલાયમસિંહ વચ્ચે કડવાશ હતી. તેથી એવો ઉપાય કરવાનો હતો કે બંનેને અનુકૂળ આવે. શાનદાર દાવ લગાવ્યો અને તબસ્સુમ હસનને ઉમેદવાર બનાવી. તબસ્સુમ હસન સપાના હતા છતાં લોકદળના ચિહ્‌નથી લડ્યા. જેથી બંને પક્ષોનું સ્વાભિમાન જળવાયું. બંને પક્ષો સાથે આવવા પાછળ રાજકીય હેતુ છે. ભાજપ સમાજ માટે ખતરો સાબિત થયો. કિસાન વિરોધી સરકાર છે. તેથી મોકો મળતાં જ ભાજપને પરાસ્ત કર્યો.