(એજન્સી) કૈરાના, તા. ૩૧
ઉત્તર પ્રદેશના કૈરાના લોકસભા પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય થયો છે. સહાનુભૂતિનું મોજું હોવા છતાં મૃગાંકા સિંહ કૈરાનાની સીટ ન બચાવી શક્યાં. ત્યાર પછી સોશિયલ મીડિયા પર ભાજપનું ટ્રોલિંગ શરૂ થઇ ગયું. કૈરાના ચૂંટણી ‘ગન્ના વર્સિસ જિન્ના’ના મુદ્દા પર પણ લડવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન આરએલડી નેતા જયંત ચૌધરીએ કહ્યું હતું કે અહીં ‘જિન્ના નહીં ગન્ના મુદ્દો’ છે. જયંત ચૌધરીના આ નિવેદન પર સીએમ યોગી આદિત્યનાથે પણ વળતો પ્રહાર કર્યો હતો. યોગીએ કહ્યું હતું કે ‘જિન્નાને બદલે ગન્ના (શેરડી)’ જ તેમની પ્રથમ પ્રાથમિકતા છે પરંતુ તેઓ જિન્નાના ફોટા પણ લાગવા દેશે નહીં.
ચૂંટણી વલણ બાદ ટિ્‌વટર પર હવે યુઝર્સ કટાક્ષ કરી રહ્યા છે.
– કૈરાનામાં ભાજપના પરાજય પર અવિનાશ યાદવે લખ્યું – ‘જિન્નાના જિન પર ભારી પડા કૈરાના કા ગન્ના. ભાજપનો પરાજય.’
– ધીરેન્દ્રકુમારે કહ્યું – ‘ગન્ના કે આગે જિન્ના હુવા ગાયબ, અબ ઝોલા ઉઠાને કા ટાઇમ આ ગયા હૈ.’
– સૈફ આઝમે લખ્યું – કૈરાના લોકસભા પેટાચૂંટણીમાં ‘જિન્ના હાર રહા હૈ અને ગન્ના જીત રહા હૈ. રોડ શો પણ કામમાં ન આવ્યો ’
– આ ટ્રેન્ડ પર અમીર હૈદરે અભિપ્રાય આપ્યો, ‘કૈરાના ઔર નુરપુરમેં ભાજપ કે જિન્ના કો કિસાનોને ગન્ના ચુસવાદિયા હૈ. જિન્ના અને ઇવીએમ મળીને પણ ભાજપને ના જીતાડી શક્યા.’
– અનુજ મિશ્રાએ લખ્યું – કૈરાના મેં જિન્ના પર ગન્ના ભારી, કિસાન જીતા બીજેપી હારી, સત્ય જીતા, ઝુઠોં કી ટોલી હારી, સત્યમેવ જયતે, જય દેશ જય કોંગ્રેસ.
– એક યુઝરે લખ્યું – મોદી અને યોગી કહે છે કે ‘સાપ અને નોળિયાઓ’ના મળવાથી શું થશે, અરે સાહેબ, એ જ થશે જે કૈરાના અને નુરપુરમાં થયું.
– રંજીતકુમાર શુક્લાએ કહ્યું – ‘કૈરાના મેં ગન્ના ચલા જિન્ના નહીં.’
– રામનારાયણ ચૌધરીએ લખ્યું – ભાજપવાળા જિન્નાને શોધી રહ્યા છે અને આરએલડીવાળા ગન્ના (શેરડી) ચુસી રહ્યા છે.

મિયાની ડી શિરાએ અંપાતી બેઠક જીત્યા બાદ મેઘાલયમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો

અંપાતી વિધાનસભા બેઠક પર મિયાની ડી શિરાએ જીત મેળવ્યા બાદ મેઘાલયમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો છે. ૨૭ વર્ષના શિરા મુકુલ સંગમાના પુત્રી છે જેઓએ એનપીપીના મોમિનને ૩૧૯૧ મતોથી હરાવ્યા હતા. અત્યારસુધી ૬૦ સભ્યોની વિધાનસભામાં એનપીપી ગઠબંધન અને કોંગ્રેસ પાસે સરખી ૨૦-૨૦ બેઠકો હતી. ફેબ્રુઆરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસે ૨૧ બેઠકો જીતી હતી પરંતુ મુકુલ સંગમા અંપાતી અને સંગસાક બંને બેઠકો પરથી જીત્યા હતા જેથી તેમણે એક બેઠક ખાલી કરી હતી. કોંગ્રેસ અહીં બહુમતીના ૩૧ના આંકડાથી ફક્ત ૧૧ બેઠક દૂર રહી હતી.કોનરેડ સંગમાની એનપીપીએ અહીં ૧૯ બેઠકો જીતી હતી અને યુડીપીના છ, પીડીએફના ચાર અને પીડીપી તથા ભાજપના બે-બે સભ્યો તથા એનસીપીના એક સભ્ય ઉપરાંત એક અન્યના ગઠબંધન સાથે સરકાર બનાવી હતી. બાદમાં એનપીપીએ વિલિયમનગર બેઠક પર જીત મેળવી પોતાની જીતની સંખ્યા ૨૦ કરી હતી. હાલમાં ગઠબંધન પાસે ૩૫ સભ્યો છે.

કૈરાનામાં વિજય બાદ જયંત બોલ્યા – જિન્ના હાર્યા, રમખાણો હાર્યા, ગન્ના (શેરડી)નો વિજય

પેટાચૂંટણીઓમાં સૌૈથી ચર્ચિત સીટ ગણાતી કૈરાના લોકસભા સીટ પર આરએલડીનાં ઉમેદવાર તબસ્સુમ હસને ભાજપનાં મૃગાંકાસિંહને જંગી સરસાઇથી પરાજય આપ્યો છે. લોકદળના વિજય બાદ મીડિયા સાથે વાત કરતા જયંત ચૌધરીએ જણાવ્યું કે આ ચૂંંટણીઓમાં જિન્ના હાર્યા, રમખાણો હાર્યા અને ગન્ના (શેરડી)નો વિજય થયો છે. ગઠબંધન વિશે બોલતા ચૌધરીએ એવી ખાતરી આપી કે પક્ષો સાથે ગઠબંધન જરૂરી હશે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જયંત ચૌધરીએ જણાવ્યું કે હું સમર્થન આપવા માટે બધા પક્ષોનો આભાર માનું છું. અખિલેશજી, માયાવતીજી, રાહુલજી, સોનિયાજી અને અન્ય બધા પક્ષોના સહયોગ માટે આભાર માનું છું. આ ચૂંટણીઓમાં ખેડૂતોનો વિજય થયો છે. રાજકીય રીતે અને કોમવાદી રીતે સંવેદનશીલ કૈરાનામાં ૫.૫ લાખ મુસ્લિમ, ૨.૫ લાખ દલિત અને ૧.૫ લાખ જાટ સહિત કુલ ૧૬ લાખ મતદારો છે. કૈરાનામાં વિજય ભાજપ માટે પ્રતિષ્ઠાનો મુદ્દો છે. હિન્દુ અને મુસ્લિમો પેઢીઓ સુધી શાંતિપૂર્ણ રીતે રહ્યા છે. મુઝફ્ફરનગરના રમખાણોએ બધું જ બદલી નાખ્યું પરંતુ હિન્દુ અને મુસ્લિમોએ પોતાના મતભેદો ભૂલીને ભાજપને પરાજયનો સ્વાદ ચખાડ્યો છે. ભાજપ સામે પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે લહેર ક્યાં ગઇ છે ? ભાજપની સંપૂર્ણ બહુમતીવાળી સરકારે ચાર વર્ષમાં જનતા સાથે છેતરપિંડી કરી છે. હવે એક-એક પૈસાનોે ઘટાડો કરીને દાવો કરી રહ્યા છે કે તેઓ મધ્યમ વર્ગને રાહત આપવાનું કામ કરી રહ્યા છે. અમે ભાજપને આ બધા મુદ્દા પર ઘેર્યો. તેનું પરિણામ આ વિજય છે. તેમણે એવું પણ કહ્યું કે ભાજપ સરકાર પાસે પોતાની હારનું વિશ્લેષણ કરવાની પુરતી તક છે. સરકાર પાસે એક વર્ષનો સમય છે. તે ખેડૂતો માટે કોઇ મોટી યોજના જાહેર કરી શકે છે. શેરડીનું બાકી લેણું બહુ મોટો મુદ્દો છે. અમે ઉત્તર પ્રદેશમાં વીજળીના દરો અને શેરડીના બાકી લેણાં અંગે મોટું આંદોલન કરવાની વ્યૂહરચના બનાવી રહ્યા છીએ. ગઠબંધન અંગે પ્રશ્ન ઊભા કરનારાઓને જવાબ મળી ગયો છે.