અમદાવાદ, તા.૨૭
ગુજરાતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને કર્ણાટક હાઇકોર્ટના સિનિયર મોસ્ટ ન્યાયમૂર્તિ જસ્ટિસ જયંત પટેલને કર્ણાટક હાઇકોર્ટમાંથી અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાના સુપ્રીમકોર્ટના નિર્ણયના ગુજરાતના ન્યાયતંત્ર અને વકીલઆલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. જસ્ટિસ જયંત પટેલની કર્ણાટક હાઇકોર્ટમાંથી અલ્હાબાદ હાઇકોર્ટના ટ્રાન્સફર કરવાના સુપ્રીમકોર્ટની કોલેજીયમના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસીએશને આકરા શબ્દોમાં વખોડી કાઢયો હતો. એસોસીએશન દ્વારા આજે જસ્ટિસ જયંત પટેલના સમર્થનમાં અને સુપ્રીમકોર્ટની કોલેજીયમના નિર્ણયના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામકાજથી અળગા રહેવાનું એલાન અપાયું હતુ. જેના કારણે આજે ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામગીરી પ્રભાવિત થઇ હતી. હાઇકોર્ટના મોટાભાગના વકીલો કોર્ટ કામકાજથી અળગા રહ્યા હતા. જો કે, બીજી બાજુ હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશનનો ઠરાવ રિજાલ્યુશન નીચલી કોર્ટો સુધી પહોંચ્યો ન હોવાથી નીચલી કોર્ટોમાં ક્યાંક-ક્યાંક કામગીરી જોવા મળી હતી. પરંતુ અખબારોમાં વાંચીને ખ્યાલ આવતાં મોટાભાગના નીચલી કોર્ટના વકીલો કામકાજથી અળગા રહ્યા હતા અને હડતાળને સમર્થન કર્યું હતું જેના કારણે મોટાભાગની નીચલી કોર્ટોમાં થોડી ઘણી કોર્ટ કામગીરી ચાલુ રહી હતી. ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ ગુજરાત હાઇકોર્ટમાંથી કર્ણાટક હાઇકોર્ટમાં ગયા વર્ષે નિયુકિત પામ્યા હતા અને હવે તેઓ કર્ણાટક હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ કે ન્યાયમૂર્તિ બને તેવી શકયતા હતી ત્યારે તે પહેલાં જ તેમને એકાએક અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો વિવાદીત નિર્ણય સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા લેવામાં આવ્યો હતો. જેને લઇ જસ્ટિસ જયંત પટેલે પોતાનું રાજીનામું આપી દીધું હતું. સુપ્રીમકોર્ટની કોલેજીયમના આ વિવાદીત નિર્ણયના વિરોધમાં અને જસ્ટિસ જયંત પટેલના સમર્થનમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્‌સ બાર એસોસીએશન દ્વારા વિરોધદર્શક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એસોસીએશન તરફથી ગુજરાત હાઇકોર્ટ સહિત રાજયની તમામ કોર્ટોમાં વકીલોને કોર્ટ કામકાજથી અળગા રહેવાની અપીલ કરી હતી. વહેલી સવારથી જ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર એસોસીએશનના હોદ્દેદારો કાર આડી રાખી ગોઠવાઇ ગયા હતા અને વકીલોને અંદર જવા જ દીધા ન હતા. બપોર સુધી એસોસીએશનના હોદ્દેદારોએ પોતાના એલાનને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. વકીલો કોર્ટ કામકાજથી અળગા રહેવાના કારણે ગુજરાત હાઇકોર્ટમાં આજે કોર્ટ કામગીરી પ્રભાવિત થઇ હતી. માત્ર ગણ્યીગાંઠી મેટરો જ હાઇકોર્ટમાં ચાલી હતી અને વકીલોની એકદમ પાંખી હાજરી વર્તાઇ હતી. હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસો.ના પ્રમુખ અસીમ પંડયાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સુપ્રીમકોર્ટના કોલેજીયમના નિર્ણયના વિરોધમાં તેમ જ કોલેજીયમ દ્વારા કોઇપણ નિર્ણય લેવાય તેના રીઝનીંગ પબ્લીકમાં જાહેર કરાતા નથી તે મુદ્દા પર વિશાળ પરિપ્રેક્ષ્યમાં સુપ્રીમકોર્ટમાં એક મહત્વની પિટિશન પણ ફાઇલ કરવામાં આવશે. બીજી બાજુ નીચલી કોર્ટોમાં હાઈકોર્ટની રિજોલ્યુશન ન પહોંચવાને કારણે કેટલાક ઠેકાણે કામગીરી નીચલી કોર્ટોમાં કોર્ટ કામગીરી ચાલુ રહેવા પામી હતી. દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલની એક મહત્વની બેઠક આજે મળી હતી અને હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસીએશને બાર કાઉન્સીલને વિશ્વાસમાં લીધા વિના હડતાળનો નિર્ણય કર્યો હોવાના મુદ્દે ચર્ચા હાથ ધરાઇ હતી. બેઠકમાં આ સમગ્ર મામલે નિર્ણય લેવાની સત્તા ચેરમેનને સોંપાઇ હતી.