અમદાવાદ,તા.ર૪
થોડા સમય પહેલા થયેલી જયંતી ભાનુશાળીની સયાજી એક્સપ્રેસમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે એડીજીપી અજય તોમરે ભાનુશાળીની હત્યા અંગે પત્રકાર પરિષદમાં ખુલાસો કર્યો છે. ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી જવાબદાર હોવાનો ઘટસ્ફોટ સીઆઈડી ક્રાઈમે કર્યો છે. આ હત્યા કેસમાં ૨ આરોપી- નીતિન પટેલ અને રાહુલ પટેલની પોલીસે ધરપકડ કરી છે. જો કે, આ કેસમાં મુખ્ય શાર્પશૂટર સુરજીત ભાઉ હજુ પોલીસ પકડથી દૂર છે. સીઆઈડી ક્રાઈમે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, કચ્છ સ્થિત છબીલ પટેલના ફાર્મહાઉસમાં ૨૫ ડિસેમ્બરે ૨ શાર્પશૂટર આવ્યા હતા અને ત્યાં જ મર્ડરનું કાવતરૂં ઘડાયું હતું. ચર્ચાસ્પદ જયંતિ ભાનુશાળી હત્યા કેસનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. આ ઘટનામાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીનું નામ બહાર આવ્યું છે. મનીષા ગોસ્વામી વિરૂદ્ધ નરોડા પોલિસ સ્ટેશનમાં સુનીલ ભાનુશાળીને ભત્રીજાએ ફરિયાદ નોંધાવી હતી. મનીષા ગોસ્વામીના ભત્રીજાની ફરિયાદના આધારે મનીષા ગોસ્વામીને થોડા દિવસ પોલીસ કસ્ટડીમાં પણ રાખવામાં આવી હતી. જયંતી ભાનુશાળીને કચ્છમાં છબીલ પટેલસાથે પણ રાજકીય મનદુખ હતું. જયંતી ભાનુશાળીની હત્યા માટે બહારથી હત્યારા બોલાવવામાં આવ્યા હતા. હત્યારા આવ્યા ત્યારે મનીષા ગોસ્વામી તેમની વ્યવસ્થા કરવા માટે કચ્છમાં જ રોકાઈ હતી, જ્યારે છબીલ પટેલ ભારત છોડીને વિદેશ ભાગી ગયા હતા. પોલીસે જણાવ્યું કે, જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરૂં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ ભેગા મળીને રચ્યું હતું. આ બંને ભાનુશાળીની હત્યાના મુખ્ય આરોપી છે, પરંતુ અત્યારે બંને પોલીસની પકડથી દૂર છે. છબીલ પટેલને વિદેશથી પકડી લાવવા માટે પોલીસ ઈન્ટરપોલની મદદ લઈ શકે છે. સમગ્ર કેસની તપાસ દરમિયાન પોલીસે છબિલ પટેલના રેલડી ખાતે આવેલા નારાયણ ફાર્મ હાઉસમાં દરોડા પાડી બે આરોપી નીતિન પટેલ અને રાહુલ પટેલની ધરપકડ કરી હતી. બાદમાં બંને આરોપીની સઘન પૂછપરછ કરી હતી. આ આરોપીઓએ પૂછપરછમાં સમગ્ર હત્યાકાંડ અંગે પોલીસને માહિતી આપી હતી. જેમાં જણાવ્યું કે, મનિષા ગોસ્વામીને જેલમાંથી બહાર કાઢવા માટે છબિલ પટેલ અને શુરજીત ભાઉએ મદદ કરી હતી. ત્યારબાદ મનિષા અને છબિલ પટેલે જયંતી ભાનુશાળીની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. જયંતી ભાનુશાળીની હત્યા માટે છબિલ પટેલે મનિષા ગોસ્વામીને પુના ખાતે સાર્પ શૂટર સાથે મુલાકાત કરાવી હતી. આ સાર્પ શૂટરમાં એક છે શશીકાંત કાંબલે અને બીજો શેખ અસરફ જેઓ મહારાષ્ટ્રના રહેવાસી છે. સાર્પ શૂટરોને સોપારી આપ્યા બાદ ગુજરાતમાં રહેવાની વ્યવસ્થા આરોપી મનિષાએ કરી હતી, જેઓ છબિલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હતા. બાદમાં તેઓએ સમગ્ર પ્લાનિંગ પ્રમાણે જયંતી ભાનુશાળીની હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા બાદ આરોપીઓએ ટ્રેનનું ચેન પૂલિંગ કર્યું હતું અને અન્ય સાગરિતોને મળી તેઓ રાધનપુર તરફ ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ આરોપીઓ ગુજરાતમાં કેટલાક ટોલ ટેક્સના સીસીટીવીમાં કેદ થઇ ગયા છે જે પોલીસે એકત્રિત કરી તપાસ કરી રહી છે. તો તપાસ દરમિયાન પોલીસને મૃતક જયંતી ભાનુશાળીનો ગુમ થયેલો મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે. જયંતી ભાનુશાળીની હત્યા કરાવ્યા બાદ છબિલ પટેલે બે દિવસમાં જ દેશ છોડ્યો હતો અને તેઓ મસ્કત જતો રહ્યો છે. જ્યારે મનિષા ગોસ્વામી ગુજરાતમાં જ છે. જ્યારે જયંતી ભાનુશાળીની હત્યા કરનાર સાર્પ શૂટરો હાલ ફરાર છે, જેઓની શોધખોળ ચાલી રહી છે.