(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
સુરતની યુવતીને એડમિશન અપાવવાના બહાને તેણી ઉપર બંદુકની અણીએ બળાત્કાર ગુજારનાર ગુજરાત પ્રદેશ ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી સામે સુરતના સરથાણા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. પીડિતાએ અગાઉ જયંતી ભાનુશાળી સામે અરજી કરી હતી. જો કે, અરજીના એક સપ્તાહ બાદ ગતરોજ પીડિતા અચાનક પોલીસ કમિશનર કચેરી પહોંચી જતા હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આખરે પીડિતાએ ડીસીબી પોલીસ મથકમાં લઇ જઇ તેણીની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી પોલીસે ઇપીકો કલમ ૩૭૬(૨),૨૯૪ ખ, ૫૦૫(૨), ૪૨૦, ૩૪૨, ૪૬૫, ૪૭૧, ૩૫૪, ૩૫૪ એ, બી, ૩૬૫, ૩૬૬, ૧૪૪ તથા આર્મ્સ એક્ટ અને આઇટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. આ કેસને ખાસ ગણી તપાસ નાયબ પોલીસ કમિશનરને સોંપવામાં આવી છે, ત્યારે હાલમાં પીડિતાનું વિશેષ નિવેદન લેવાયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સરથાણા વિસ્તારની યુવતીએ એક સપ્તાહ અગાઉ ગુજરાત પ્રદેશ ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી સામે પોલીસ કમિશનરને દુષ્કર્મની અરજી કરી હતી. જો કે, અરજી બાદ યુવતી એક સપ્તાહ માટે અચાનક ગાયબ થઇ ગઇ હતી. જો કે, ત્યારબાદ ગતરોજ યુવતી અચાનક જ પોલીસ કમિશનરની ઓફિસ પહોંચી જતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. પોલીસ યુવતીને તાત્કાલિક ડીસીબી પોલીસ મથકે લઇ ગયા હતા. જ્યાં સરથાણા પોલીસને સાથે રાખી પોલીસે પીડિતાના નિવેદનના આધારે ગુજરાત પ્રદેશ ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી તથા તેનો ડ્રાઇવર બંદુકધારી ઇસમ અને અરજીમાં સહી લેવા માટે આવેલા અન્ય માણસો સામે ફરિયાદ આપી હતી. પોલીસે બળાત્કાર, અપહરણ, ધમકી, કાવતરૂ સહિત ક્લીપ ઉતારવા સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસને ખાસ કેસ ગણી તપાસ ઝોન ચારના ડીસીપી ડો.લીના પાટીલને સોંપવામાં આવી છે. વધુમાં આ મામલે ડીસીપી લીના પાટીલે જણાવ્યું હતું કે, હાલમાં પીડિતાનું વિશેષ નિવેદન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના નિવેદન બાદ આગળથી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પદેથી હાલમાં રાજીનામું આપી ચૂકેલા જયંતી ભાનુશાળી વિરૂદ્ધ હવે સુરતમાં વિધિવત રીતે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ ચૂકી છે ત્યારે ભાજપ હવે જયંતીભાઈને સસ્પેન્ડ ક્યારે કરશે ? તેવી ચર્ચા કચ્છના રાજકારણમાં ઉઠી છે. સુરતની ર૧ વર્ષની યુવતી સાથે દુષ્કર્મ પ્રકરણમાં જયંતીભાઈ વિરૂદ્ધ પોલીસમાં અરજી મળ્યા બાદ ભાજપની છબી ખરડાવાની ભયથી ભાજપે જયંતીભાઈનુું રાજીનામું માંગી લીધું હતું, પરંતુ જયંતીભાઈએ ખુદ રાજીનામું આપ્યું તેવું નાટક કરાયું હતું. હવે જો કે, પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દેતા ભાજપ જયંતીભાઈને સસ્પેન્ડ કરવાનું પણ નાટક કરવું પડશે. જયંતીભાઈના વિસ્તાર અબડાસામાં નલિયા દુષ્કર્મકાંડમાં ભાજપના હોદ્દેદારો સંડોવાયા હતા. જે પ્રકરણ આખા ગુજરાતમાં ગાજ્યું હતું. હવે ખુદ જયંતીભાઈ દુષ્કર્મ કેસમાં આરોપી બનતા ભાજપ પક્ષ બચાવની સ્થિતિમાં આવી ગયો છે.
યુવતી પર દુષ્કર્મ કેસમાં જયંતી ભાનુશાળી સામે સુરતમાં ફરિયાદ નોંધાઈ

Recent Comments