(સંવાદદાતા દ્વારા)
ભૂજ,તા.૮
કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને કચ્છની અબડાસા બેઠકના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ પરશોત્તમભાઈ ભાનુશાલીની તા.૭-૧-ની મધ્ય રાત્રે સયાજીનગરી એકસપ્રેસ ટ્રેઈનમાં ગોળી મારી હત્યા કરવામાં આવતા કચ્છ સહિત રાજયના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે. બીજી તરફ રાજકીય હરિફાઈમાં પૂર્વધારાસભ્ય જેવા નેતાની હત્યા થવાનો કચ્છનો આ પ્રથમ કિસ્સો હવે પછી કચ્છના જાહેર જીવન માટે ચિંતાનો વિષય બની રહેશે. જયંતિ ભાનુશાલી તા.૭-૧-ની રાત્રે ભુજથી રવાના થયેલી સયાજીનગરી એકસપ્રેસ ટ્રેનમાં એ.સી.કોચમાં બેસી ભુજથી અમદાવાદ જવા માટે રવાના થયા હતા. આ ટ્રેન જયારે સામખિયાવી સ્ટેશન છોડીને આગળ વધી રહી હતી. ત્યારે બે અજાણ્યા શખ્શોએ જયંતિભાઈની કેબિનમાં ઘૂસી ગોળી મારી હતી. એક ગોળી આંખના ભાગે અને એક ગોળી છાતીના ભાગે લાગ્યા બાદ જયંતિભાઈ બર્થ ઉપર જ તરફડિયા મારી મૃત્યુ પામ્યા હતા. જયંતિભાઈની નજીકની બર્થ ઉપર જ સૂઈ રહેલા ગાંધીધામના પવનકુમાર મોર નામના મુસાફરે પણ ગોળીબાર કરનાર બે શખ્સ હોવાની પોલીસ તપાસમાં પુષ્ટિ આપી હતી. જો કે જયંતિભાઈની હત્યા કરીને બન્ને અજ્ઞાત શખ્સો પોબારા ભાગી ગયા હતા. જે રીતે જયંતી ભાનુશાળીની હત્યા થઈ તે ઘટના ક્રમના અભ્યાસ ઉપરથી ફલિત થાય છે કે હત્યારાઓ અનુભવી રીઢા ગુનેગાર હોવા જોઈએ અને આ હત્યા માટે તેઓને સોપારી મળી હોવી જોઈએ. પૂર્વ પ્લાનિંગ સાથે જ હત્યા થઈ છે તે સ્પષ્ટ છે કેમ કે ટ્રેનમાં જયંતિ ભાુનશાલીની કોચ અને બર્થની ચોક્કસ માહિતી હત્યારાઓને અગાઉથી હતી. વળી, હત્યા બાદ જે સ્થળે ટ્રેન રોકવામાં આવી તે સૂરજબારી વિસ્તાર દરિયાઈ કાદવ કીચડભર્યો વિસ્તાર છે અને રેલવે ટ્રેકથી ખાસ્સો દૂર રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવેલ છે જેથી હત્યારાઓનો પીછો કરવાનો ટ્રેનમાંથી કોઈ મુસાફર પણ પ્રયત્ન ન કરી શકે તે પ્રકારના ભૌગોલિક વિસ્તાર પાસે જ ચાલુ ટ્રેનમાં આ હત્યા કરી દેવામાં આવી છે. હત્યાની ઘટના બાદ રેલવે પોલીસ સીઆઈડી અને પોલીસની ટીમ હત્યાનો તાગ મેળવવા તપાસમાં લાગી છે. પરંતુ જયંતિ ભાનુશાળી હત્યા કોણે અને શા માટે કરાવી ? આ પ્રશ્ન ઉઠતા જ સૌ કોઈની આંગળી અબડાસાના જ વધુ એક પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ તરફ ચિંધાય છે. કારણ કે મૃતક જયંતિ ભાનુશાળીના ભાઈ શંભુ ભાનુશાળીએ પણ હત્યા પાછળ છબીલ પટેલનો હાથ હોવાની વાત માધ્યમો સમક્ષ કરી છે જો કે આ હત્યાની એફઆઈઆરમાં છબીલ પટેલનું નામ ઉમેરાય છે કે નહીં તે હજૂ તપાસ ઉપર આધાર રાખે છે. પરંતુ જો પોલીસ ફરિયાદમાં છબીલ પટેલનું નામ ઉમેરાય કે હત્યામાં તેમની સંડોવણી ખુલશે તો ગુજરાત ભાજપ માટે આ પ્રકરણ વધુ એક દુઃખદાયક પ્રકરણ બની રહેશે.

છબીલ પટેલે જ મારા પતિની હત્યા
કરાવી : ભાનુશાળીની પત્ની

જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા માટે કચ્છ ભાજપના નેતા છબિલ પટેલને જવાબદાર ગણાવ્યા હતા. જયંતિ ભાનુશાલીના પત્નીએ આક્ષેપ લગાવતા કહ્યું કે, મારા પતિની હત્યા કરાવવા પાછળ છબિલ પટેલનો હાથ છે. છબિલ પટેલ જ મારા પતિની હત્યા કરાવી છે. તેણે જ ષડયંત્ર ગોઠવ્યું છે. મારા પતિની હત્યા કરાવીને તે અમેરિકા જતો રહ્યો છે. એમની જ ગેંગે હત્યા કરાવી છે. મારા પતિને મારનાર છબિલ પટેલ જ છે. સોપારી આપીને જતો રહ્યો છે. મારા પતિ ચાર પાંચ દિવસથી કચ્છ ગયા હતા. આવું થઈ જશે તેની ખબર ન હતી એટલે તેઓ બિન્દાસ ફરતા હતા. જયંતિ ભાનુશાળીના ભાઈએ કહ્યુ કે મારા ભાઈની રાજકીય હત્યા કરવામાં આવી છે. મારા ભાઈનો કોઈ દુશ્મન નથી. મારા ભાઈ એચ-૧માં હતા, તો પણ કેવી રીતે હત્યા થઈ. મારા ભાઈની રાજકીય હત્યા છે. મારા ભાઈ ઊંઘમાં હતા ત્યારે ફાયરિંગ કર્યું હતું. તેઓ અમદાવાદ આવી રહ્યા હતા. ટ્રેનમાં છબીલના માણસો પાછળ હતા. પોલીસ કંઈ નહીં કરે તો અમારા ઘર પર જોખમ છે. અમારું ખાનદાન ખતમ કરવા તે બેઠો છે. તેમને કોઈ સજા નહીં થાય તો અમને જે પણ થશે તેની જવાબદારી પોલીસની રહેશે.

જયંતી ભાનુશાળી હત્યાના પ્રકરણની તપાસ માટે SITની રચના કરાઈ

જયંતિ ભાનુશાળીની હત્યાની તપાસ કરવા માટે રેલવે કમિટીએ SITની રચના કરી છે. અમદાવાદ રેલવેના DYSP પીપી પીરોજીયા આ હત્યા કેસની તપાસ હાથ ધરશે. રાજકોટના DYSP, રેલવે LCBના એક PI અને બે PSI તેમજ એક કોન્સ્ટેબલ જયંતિ ભાનુશાળીના મર્ડર કેસની તપાસ રશે. એસઆઈટી દ્વારા સમગ્ર ઘટનાના જુદા જુદા પાસાઓને ચકાસવામાં આવશે. ટ્રેનના કોચની પણ ઝીણવટપૂર્વક તપાસ કરી હત્યાનું પગેરું મેળવવા પ્રયાસ કરાશે.

ભાનુશાળી હત્યા મામલે છબીલ પટેલ સહિત પાંચ સામે ફરિયાદ

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા મામલે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. ભાનુશાળીના પરિવારજનોના આક્ષેપ બાદ પોલીસે છબીલ પટેલ, મનીષા ગોસ્વામી સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જયંતિ ભાનુશાળીની હત્યા બાદ પોલીસે પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. ભાનુશાળીના પરિવારજનોએ કચ્છના નેતા છબિલ પટેલ, મનીષા ગોસ્વામી, સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. અગાઉ જયંતિ ભાનુશાળીના ગોડાઉનમાંથી સરકારી લોટનો જથ્થો મળતા તેઓ વિવાદમાં આવ્યા હતા. કચ્છના જ એક નેતા છબિલ પટેલ સાથે તેમને રાજકીય અણબનાવ હતો. સુરતના દુષ્કર્મ કેસમાં છબિલ પટેલનું નામ ઉછળતા બંને નેતાઓએ એક બીજા પર અનેક આક્ષેપો કર્યા હતા. સુરતની યુવતીએ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ બંને નેતાઓ વચ્ચે વિવાદ વકર્યો હતો.

હત્યારા પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાથી પરિવારજનોનો ઈન્કાર

અમદાવાદ, તા.૮
જયંતિ ભાનુશાળીને ટ્રેનમાં ગોળી મારી હત્યા કરી દેવાતા રાજકારણ ગરમાયું છે. ભાનુશાળીના કટ્ટર શત્રુ એવા છબીલ પટેલે જ તેમની હત્યા કરાવી હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર હત્યા મામલે સીટની રચના કરીને તપાસ હાથ ધરાઈ છે ત્યારે બીજી તરફ જયંતિ ભાનુશાળીના મૃતદેહનું પીએમ કર્યા બાદ પરિવારજનોએ હત્યારાઓ જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ લેવાનો સાફ ઈન્કાર કરી દીધો છે એટલે હવે આ મામલે રાજકારણ ગરમાય તો નવાઈ નહીં.

ઉચ્ચતર તપાસનો મુખ્યમંત્રી રૂપાણીનો આદેશ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જયંતી ભાનુશાળીની હત્યાને દુઃખદ ગણાવી હતી. અમદાવાદમાં પ્રચાર માધ્યમો સમક્ષ કહ્યું હતું કે, આ ઘટનાના મૂળ સુધી જઈ ત્વરિત કાર્યવાહી કરીને ગુનેગાર સામે કડકમાં કડક પગલાં લેવા રેલવે પોલીસ, આર પી એફ અને જિલ્લા પોલીસને રાજ્ય સરકારે સૂચના આપી છે.

ભાનુશાળીની હત્યા દેશી પિસ્તોલથી થઈ : ટ્રેનની ચેઈન પુલિંગ કરાઈ હતી

ભાજપ પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાળીની ચાલું ટ્રેનમાં ગોળી મારી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સીઆઈડી ક્રાઈમે ખુલાસો કરાતા કહ્યું છે કે, ટ્રેન મધરાત્રે ગાંધીધામ અને શામખીયાળી વચ્ચે ૧રઃપ૭ કલાકે હતી ત્યારે ચેઈન પુસિંગ થયું હતું. તેમજ હત્યામાં દેશી બનાવટના હથિયારથી બે રાઉન્ડ ફાયર થયા હતા. જો કે જ્યંતી ભાનુશાળીની બેગમાંથી પણ લોડેડ ગન મળી આવી છે. સીઆઈડી ક્રાઈમ ડીજીપી આશિષ ભાટિયાએ આજે પત્રકારોને જયંતી ભાનુશાળી હત્યા અંગે જણાવ્યું હતું કે, અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી ભૂજથી અમદાવાદ આવી રહ્યા હતા. ત્યારે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ફર્સ્ટ કલાસ એસી કોચ એચ-૧માં તેમના છાતીમાં અને આંખ ઉપર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ટ્રેનમાં શામખીયાળીથી ચાર કિલોમીટર પહેલા મધરાતે ૧રઃપ૭ કલાકે ચેઈન પુલિંગ થયું હતું. જ્યારે આ હત્યામાં આરોપીએ દેશી બનાવટના હથિયારથી કરાયેલા ફાયરિંગમાં કોચમાં ત્રણ જીવતા કારતુસ અને બે ફાયર કરાયેલા કારતુસ મળી આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ હત્યામાં કેટલા આરોપી છે તે નક્કી થઈ શક્યું નથી. પરંતુ શંકાશીલ વ્યક્તિઓ કે જેમના પર શંકા હોય તેવી વ્યક્તિઓ સાથે સીસીટીવી અને મોબાઈલ નંબરોના આધારે પણ તપાસ કરવામાં આવશે. તેમની મુસાફરી અને તેમના પછી ટીકીટ કોણે લીધી તે પણ તપાસ કરવામાં આવશે. જ્યારે પોલીસને સઘન તપાસમાં જયંતી ભાનુશાળી પાસે રહેલી બેગમાં રહેલા એક પાઉચમાંથી એક ગન મળી આવી છે. આ લોડેડ હથિયાર સાથે બીજા ત્રણ કારતુસ પણ છુટા મળી આવ્યા છે. વધુમાં આશિષ ભાટિયાએ જણાવ્યું કે હાલ હત્યા અંગે પ્રાથમિક તપાસ થઈ છે. જેમ-જેમ તપાસમાં પુરાવા મળશે તેમ તે તપાસ આગળ વધશે. ભાનુશાળીને ધમકી આપનારા છબીલ પટેલની જો સંડોવણી જણાશે તો તપાસ તેમની પણ પુછપરછ કરી તપાસ હાથ ધરાશે. આ સમગ્ર મામલે તપાસ કરવા સીહની રચના કરાઈ છે.