(સંવાદદાતા દ્વારા)  સુરત, તા.૨૨
આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા દસ દિવસ અગાઉ કુબેરજી ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં આજે અધિકારીઓ જ્યારે ભાગીદાર જયંતી પટેલનું સ્ટેટમેન્ટ લઇ રહ્યા હતા, ત્યારે તેમને હૃદયરોગનો હુમલો થતાં તેમને ચાલુ સ્ટેટમેન્ટમાં હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી હતી. મોડી સાંજે તેમને મહાવીર હોસ્પિટલમાં તેઓને આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જયંતી પટેલના પુત્ર સન્ની પટેલે આવકવેરા અધિકારીઓ પર આરોપ લગાવ્યો હતો કે, સ્ટેટમેન્ટ દરમિયાન ભારે દબાણ કરવામાં આવ્યું હતું. જેથી તબિયત બગડી હતી. જયંતી પટેલને હાર્ટએટેક આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં મોડીરાત્રે મહાવીર હોસ્પિટલ ખાતે કુબેરજી ગ્રુપ સાથે સંકળાયેલા બિલ્ડર અને તેમના સગા સંબંધી ઉપરાંત મિત્રવર્તૂળ પહોંચી ગયા હતા. કહેવાય છે કે, જયંતી પટેલના ત્યાંથી ઢગલાબંધ જમીનને લગતા ડોક્યુમેન્ટ મળી આવ્યા હોવાથી તેમને સ્ટેટમેન્ટ લેવા માટે બોલાવાયા હતા. અધિકારીઓ ડોક્યુમેન્ટ, સાટાખત, દસ્તાવેજ વગેરે અંગે માહિતી મેળવવા માગતા હતા, એટલે જયંતી પટેલને સ્ટેટમેન્ટ માટે બોલાવાયા હતા. અમને સ્ટેટમેન્ટ માટે મજૂરાગેટ ખાતે આવેલી ઇન્કમટેક્સ કચેરી બોલાવાયા હતા. હું પિતાની સાથે ગયો અને એડિશનલ કમિશનર અનિલ ભારદ્વાજ દ્વારા સ્ટેટમેન્ટ લેવાની શરૂઆત કરવામાં આવી હતી. સ્ટેટમેન્ટ સતત પાંચ કલાક ચાલ્યું હતું અને સાડા આઠ વાગ્યાના અરસામાં પિતા અચાનક જ ખુરશી પરથી ઢળી પડ્યા હતા. એટલે હું તેમને લઇને સીધો લીફ્‌ટ સુધી ભાગ્યો હતો અને ત્યાંથી શંખેર કોમ્પલેક્સની એક હોસ્પિટલ લઇ ગયો હતો, જ્યાંથી ડૉક્ટરે મહાવીર લઇ જવાનું કહ્યુું હતું. હાલ પિતા આઇસીયુમાં છે. અમને સ્ટેટમેન્ટ દરમિયાન અમને એવા સવાલ કરાયા હતા, જેના જવાબ જ અમારી પાસે નથી. જબરદસ્તી બધુ જ અમારૂ છે, એવી કબૂલાત કરવાનું દબાણ કરાયું હતું.ો