જામનગર, તા.૧૧
જામનગરના કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલને તેનો પાસપોર્ટ જમા કરાવવાનો મુંબઈ અદાલતે આદેશ કર્યાના વાયરલ થયેલા મેસેજ વચ્ચે તેણે પાસપોર્ટ જમા કરાવ્યાનું જાણવા મળ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ શખ્સે અગાઉ જામનગરની અદાલતમાં પણ પોતાનો પાસપોર્ટ જમા કરાવ્યો હતો તે પછી બીજો પાસપોર્ટ કેવી રીતે જમા કરાવ્યો? તેમજ આ શખ્સ ભારતમાં આવ્યે હોવાની પણ આશંકા જન્મી છે. પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.
જામનગરમાં ગયા એપ્રિલ મહિનાના અંતમાં ટાઉનહોલ વિસ્તારમાં એડવોકેટ કિરીટભાઈ જોષીની હત્યા નિપજાવવાના ગુન્હામાં સોપારી આપવા અંગે જેની સામે ગુન્હો નોંધાયો છે તેમજ અગાઉ કેટલાક જમીન કૌભાંડોમાં જેનું નામ ઉપસતા ભૂ-માફિયા તરીકે કુખ્યાતી મળી છે તેવા જયેશ પટેલે ગુજરાત હાઈકોર્ટમાંથી ત્રણ દેશમાં જવા માટે પરવાનગી મેળવી હતી અને તે પછી આ ભૂ-માફિયા વિદેશ સરકી ગયો હતો ત્યાર પછી જામનગરમાં એડવોકેટની હત્યા થઈ હતી જેમાં બે તબક્કે ઝડપાયેલા કુલ છ આરોપીઓએ જયેશ પટેલ પાસેથી એડવોકેટની હત્યા માટે સોપારી મેળવી હોવાની વિગતો પોલીસ તપાસમાં ખૂલી હતી તે દરમ્યાન જ આ શખ્સને પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનો મુંબઈ અદાલતનો આદેશ થતા તેણે ત્યાં પણ પોતાનો પાસપોર્ટ જમા કરાવતા અનેક પ્રશ્નાર્થો ઉઠયા છે. આ શખ્સ પાસે જો એક પાસપોર્ટ તેણે જામનગરની અદાલતમાં જમા કરાવ્યો હોય તો તેણે બીજો પાસપોર્ટ કેવી રીતે મુંબઈ અદાલતમાં જમા કરાવ્યો? તેવો પ્રશ્ન ઉઠવાની સાથે આ શખ્સ ફરીથી ભારતમાં આવ્યો હોવાની પણ એક આશંકા ઉભી થઈ છે ત્યારે પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.