(એજન્સી) તા.૨૬
જો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમા કોંગ્રેસ સત્તારુઢ થશે તો સંસદના પ્રથમ સત્રમાં જ મહિલા અનામત બિલ પાસ કરવામાં આવશે એવું પક્ષના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે એક સમારોહમાં જણાવ્યું હતું. સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઇ ધરાવતું આ બિલ ૯ માર્ચ ૨૦૧૦ના રોજ રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું હતું અને હવે લોકસભાની મંજૂરી માટે પડતર છે. આંગણવાડીના કામદારો માટે યોજાયેલ સખી સંવાદ કાર્યક્રમમાં બોલતા સિંધિયાએ જણાવ્યું હતું કે જો કેન્દ્ર ખાતે કોંગ્રેસ સત્તા પર આવશે તો તે સંસદના પ્રથમ સત્રમાં જ મહિલા બિલ પાસ કરશે. તેેમણે જણાવ્યું હતું કે યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ પક્ષના વર્તમાન વડા રાહુલ ગાંધી અને હું સ્વયં મહિલાઓના સશક્તિકરણની તરફેણમાં છીએ.
ગુના-શિવપુરી લોકસભા બેઠક પરથી તેમના પત્ની પ્રિયદર્શિની રાજે સિંધિયાને ઉમેદવાર તરીકે ઊભા રાખવા માટે પક્ષ કાર્યકરો તરફથી જોરદાર માગણીની પૃષ્ઠભૂમિમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે તેઓ આ બેઠક પરથી ફરી લોકસભાની ચૂંટણી લડશે. સિંધિયાએ જણાવ્યું હતું કે અત્યારે હું તમારા લોકસભાના સભ્ય તરીકે તમારી સમક્ષ ઊભો છું પરંતુ આગામી ચૂંટણી બાદ કે જ્યારે સંસદમાં મહિલા અનામત બિલ પાસ કરાશે ત્યારે મારે સાંસદ પતિ તરીકે તમારી સમક્ષ હાજર થવું પડશે. પોતાની પત્નીની પ્રશંસા કરતા સિંધિયાએ જણાવ્યું હતું કે તે મારા કરતા વધુ શિક્ષિત અને લાયક છે. મહિલા અનામત બિલ જ્યારે પાસ કરવામાં આવશે ત્યારે ૧૬૦થી ૧૭૦ મહિલા સાંસદો દેશના ગૌેરવ અને પ્રતિષ્ઠા માટે કામ કરશે. તેમણે અસહિષ્ણુતાનો માહોલ ઊભા કરી રહેલા તત્વો સામે પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે આ દેશ સેક્યુલર અને ઉદાર છે કે જ્યાં મહિલાઓનો હંમેશા આદર થતો આવ્યો છે.