(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
ભૂતપૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને શુક્રવારે વિદેશ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે. મહત્વનું ખાતું સંભાળનારા તેઓ પ્રથમ કેરિયર ડિપ્લોમેટ છે. જયશંકરને અમેરિકા અને ચીનના મામલાઓમાં નિષ્ણાત માનવામાં આવે છે અને નવા વિદેશ પ્રધાનના સ્વરૂપમાં તેમના પર ખાસ નજર હશે કે તેઓ આ બંને મહત્વના દેશો સાથે પાકિસ્તાનને પહોંચી વળવામાં ભારતના વલણને કેવી રીતે આગળ વધારે છે અને ભારતના વલણમાં કોઇ પરિવર્તન લાવે છે કે કેમ ? વિદેશ સચિવપદેથી તેમના નિવૃત્ત થયાના લગભગ ૧૬ મહિના બાદ જયશંકરને વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના પર વિશ્વ સ્તરે ખાસ કરીને જી-૨૦, શાંઘાઇ સહયોગ સંગઠન અને બ્રિક્સ સંગઠન જેવા વૈશ્વિક મંચ પર ભારતના વૈશ્વિક પ્રભાવને વધારવાની એકંદર અપેક્ષાઓ પુરી કરવાની જવાબદારી હશે. જોકે, જયશંકરના નેતૃત્વમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન અને યુરોપિયન સંઘ તેમ જ પાડોશી દેશો સાથે વેપાર અને સંરક્ષણ સંબંધો મજબૂત બનાવવા પર મંત્રાલયનો મુખ્ય ભાર હશે. જયશંકર સમક્ષ ચીન સાથે ભારતના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પડકાર હશે. મધ્ય ૨૦૧૭માં દોકલામ વિવાદથી ચીન સાથે ભારતના સંબંધો વણસ્યા હતા.

ભારતીય મુત્સદ્દીગીરી માટે વિદેશ પ્રધાન તરીકે એસ જયશંકરનો શું અર્થ થાય છે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
વિશ્વ પર પોતાની સર્વોપરિતા વધારવા અંગે અમેરિકા અને ચીન વચ્ચે ભારે ખેંચતાણ ચાલુ છે ત્યારે ભૂતપૂર્વ રાજદ્વારી એસ જયશંકરનો વિદેશ પ્રધાન તરીકે મોદી કેબિનેટમાં સમાવેશ અત્યંત મહત્વનો છે. એવું માનવામાં આવે છે કે રાજદ્વારી બાબતોમાં ભારતને માર્ગદર્શન આપવામાં જયશંકર મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે રાજદ્વારી તરીકે ચીન અને અમેરિકામાં ભારતીય રાજદૂત તરીકે પોતાની સેવાઓ આપી છે. ત્યાર પછી તેઓ વિદેશ સચિવ બન્યા હતા. બે દેશો વચ્ચેની મહત્વનેી ઘણી મંત્રણાઓમાં વિદેશ સચિવ તરીકે જયશંકર સામેલ રહ્યા હતા. વિદેશ પ્રધાન જયશંકર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકારોના કોર ગ્રુપમાં સામેલ થઇ ગયા છે. પીએમ મોદીના સલાહકારોના કોર ગ્રુપમાં ગૃહ પ્રધાન અમિતશાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણનો સમાવેશ થાય છે. પીએમ મોદીના અન્ય ખાસ સલાહકારોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોવાલનો પણ સમાવેશ થાય છે.