(એજન્સી) તા.૬
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) નવી દિલ્હી ખાતે અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક જયતી ઘોષ વિશ્વના એક અગ્રણી વિકાસ અર્થશાસ્ત્રી છે. જયતી ઘોષનું માનવું છે કે ભારત જાહેર ખર્ચ વધાર્યા વગર પોતાના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકી શકશે નહીં. એક સામયિક સાથેની ખાસ વાતચીતમાં જયતી ઘોષે તોળાઇ રહેલ વૈશ્વિક મંદી, જેએનયુની સ્થિતિ અને આગામી ભારતીય પેઢી માટેના ભાવિ અંગે વાતચીત કરી હતી. તેમની મુલાકાતના મહત્વના સંપાદિત અંશો અત્રે પ્રસ્તુત છે.
જયતી ઘોષે પોતાના બાળપણ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે મારો જન્મ બેંગકોકમાં થયો હતો અને મારા પિતા સરકારમાં અર્થશાસ્ત્રી તરીકે કામ કરતાં હતા. મારો ઉછેર મોટા ભાગે દિલ્હીમાં થયો છે. મેં મિરાન્ડા હાઉસમાં સમાજવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. જેએનયુમાંથી અર્થશાસ્ત્રમાં એમએની પદવી પ્રાપ્ત કર્યા બાદ મેં કેમ્બ્રીજમાંથી પીએચડી કર્યુ હતું.
જેએનયુ ખાતે પોતાના સુદીર્ઘ કાર્યકાળ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે જેએનયુ માત્ર ભારત કે એશિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ યુનિવર્સિટી છે. તાજેતરમાં ફી વધારવાના પગલાંને કારણે ૫૦ ટકા વિદ્યાર્થીઓને કારણે યુનિવર્સિટી છોડવાની ફરજ પડી શકે છે.
૨૦૨૦માં વૈશ્વિક આર્થિક મંદીની આગાહી અંગે અને ભારત પર તેની કેવી અસર પડશે તે અંગે વાત કરતાં જયતી ઘોષે જણાવ્યું હતું કે જો કોઇ ક્રાંતિકારી પગલાં ભરવામાં આવશે નહી તો આપણે મોટી કટોકટીના આરે આવીને ઊભા રહીશું. સરકારે માંગ વધે એવા પગલાં ભરવાની જરુર છે. તમે મનરેગામાં વધારો કરો, માળખાગત સુવિધા ખાતર વધારે ખર્ચ કરો, ખેડૂતોના હાથમાં વધારે આવક આવે તેવી વ્યવસ્થા કરો. આ બધા પગલાંની બહુહેતુક અસર થશે. તેના કારણે વધુ આવક, વધુ ઉત્પાદન, વધુ રોજગાર અને વધુ મૂડીરોકાણ આવશે. પરંતુ સરકાર તેનાથી તદ્દન વિરુદ્ધ કરી રહી છે. તે ખર્ચમાં પણ ઘટાડો કરી રહી છે. આમ અર્થતંત્રને રીવાઇવ કરવા માટે જે પગલાં જરુરી છે તેનાથી સરકાર તદ્દન વિરુદ્ધ જઇ રહી છે એવું જયતી ઘોષે જણાવ્યું હતું.