(એજન્સી) બેંગાલુરૂ,તા.૧૧
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જનતાદળ(એસ)ના નેતા એચ.ડી. કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામીની કોંગ્રેસના નેતા એમ.ક્રિશ્નપ્પાની પૌત્રી રેવતી સાથે સગાઇ થઇ હતી. આ સમારંભ બેંગાલુરૂમાં યોજાયો હતો. અહીંની તાજ વેસ્ટ એન્ડ હોટલ ખાતે યોજાયેલી સગાઇમાં નિખિલના દાદા અને દેશના પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડા, કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા, પૂર્વ મંત્રી, ડી.કે. શિવકુમાર અને અન્ય રાજ્કીય નેતાઓ હાજર રહ્યા હતા. કુમારસ્વામીના મતવિસ્તાર રામનગરમાં આગામી એપ્રિલમાં લગ્ન યોજાશે. ૨૦૧૯માં નિખિલે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો, અને મંડયા લોકસભા બેઠક પરીથી ચૂંટણી લડયા હતા. જો કે, અપક્ષ ઉમેદવાર સામે તેમનો પરાજ્ય થયો હતો. નિખિલ એક ફિલ્મ કલાકાર પણ છે. ૨૦૧૬માં તેમણે ફિલ્મક્ષેત્રે પર્દાપણ કર્યું હતું. નિખિલ ટૂંક સમયમાં પોતાની આગામી ફિલ્મ માટે શુટિંગ શરૂ કરશે.