(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૧૭
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે જેડીએસ ધારાસભ્ય શિવાલિંગે ગૌડાએ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, જગદીશ શેટ્ટરે જેડીએસના એક સભ્યને ૬૦ કરોડ રૂપિયા અને મંત્રીપદની ઓફર આપી હતી જેને ધારાસભ્યે ફગાવી દીધી હતી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મંગળવારે કથિત રીતે મુંબઇની એક હોટલમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો સાથે રોકાયેલા બે અપક્ષ ધારાસભ્યો એક નાગેશ અને આર શંકરે કુમારસ્વામી સરકાર પાસેથી પોતાનું સમર્થન પરત ખેંચી લીધું હતું. આ ઉપરાંત ભાજપે આગામી બે દિવસમાં કર્ણાટકમાં સરકાર રચવાની જાહેરાત કરી દીધી હતી. ૨૨૪ સભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં ૧૦૪ બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી તેમ છતાં બહુમતીથી દૂર રહી હતી. કોંગ્રેસને ૮૦ બેઠકો પર જીત મળી હતી જ્યારે જેડીએસને ૩૭ બેઠકો મળી હતી. જોકે, આ મામલે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારમાં મંત્રી ડીકે શિવકુમારે પોતાની સરકાર સ્થિર હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, એક-બે ધારાસભ્યોને બાદ કરતા તમામ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. તેઓ કોંગ્રેસ વિધાનમંડળની બેઠકમાં સામેલ થશે. ત્યારે તમને સરકારની શક્તિની માહિતી મળી જશે. કોંગ્રેસનો કોઇ પણ ધારાસભ્યો રાજીનામુ આપી રહ્યો નથી. આ પહેલા બુધવારે જ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, મુંબઇની હોટલમાં કથિત રીતે રોકાયેલા કોંગ્રેસના ધારાસભ્યોથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું છે પણ તેઓ બધા જ મારા સતત સંપર્કમાં છે. હું તેમની સાથે વાત કરી રહ્યો છું. કુમારસ્વામીએ કહ્યું કે, કોંગ્રેસ ધારાસભ્યો પરત આવી જશે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પર કોઇ સંકટ નથી. હું પહેલા પણ નિશ્ચિંત હતો અને અત્યારે પણ નિશ્ચિંત છું. કોઇએ ચિંતા કરવાની જરૂર નથી.