(એજન્સી) તા.૧૧
જનતાદળ (યુ)માં નિશ્ચત તિરાડ અંગે મીડિયા દ્વારા વ્યાપક અટકળો વચ્ચે પક્ષના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શરદ યાદવ લોકોનો ક્યાસ કાઢવા બિહારમાં આવ્યા છે. બિહારની ત્રણ દિવસની મુલાકાતે આવેલા શરદ યાદવે રાજદ અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ શાસિત એનડીએના સમર્થન સાથે સરકાર રચવાના નીતિશકુમારના એક પક્ષીય નિર્ણય પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
આજે પટણા એરપોર્ટ પર જ્યારે પીઢ સાંસદ શરદ યાદવનું આગમન થયું ત્યારે તેમને લેવા માટે જદયુના કોઇપણ ધારાસભ્ય, એમએલસી કે કોઇ સાંસદ આવ્યા ન હતા. ત્રણ વર્ષ પૂર્વે શરદ યાદવ લોકસભા ચૂંટણી હારી ગયા ત્યારે તેઓ જદયુના રાષ્ટ્રીય પ્રમુખ હતા અને તેથી નીતિશકુમારે તેમની પ્રતિભાને બચાવવા રાજ્યસભામાં સ્થાન આપ્યંુ હતું. પરંતુ હવે નીતિશકુમાર સામે જ્યારે શરદ યાદવે બગાવતી તેવર દાખવ્યા છે ત્યારે શરદ યાદવ પોતાના પુરોગામી જ્યોર્જ ફર્નાન્ડિસની જેમ એકલા પડી જશે અને છેવટે તેમને જદયુમાંથી કાઢી મૂકવામાં આવશે એવું જોખમ ઊભું થયું છે. સમતા પાર્ટીના દિવસોથી નીતિશકુમારના ગુરુ રહ્યા બાદ જ્યોર્જ ફર્નાન્ડિસ પણ બાગી બન્યા હતા પણ તેમને હટાવીને એ વખેતે શરદ યાદવના જદયુના પ્રમુખ બનાવાયા હતા. જ્યોર્જ ફર્નાન્ડિસને તેમના ગઢ સમાન મુઝફ્ફરનગરથી ૨૦૦૯ની ચૂંટણીમાં લોકસભાની ટિકિટ પણ નીતિશના કહેવાથી આપવામાં આવી ન હતી. એકલા અટુલા પડી ગયેલા અપમાનિત જ્યોર્જ ફર્નાન્ડિસે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી પરંતુ તેમણે ડિપોઝીટ ગુમાવવી પડી હતી. જો શરદ યાદવ પણ નીતિશ વિરુદ્ધ ઝેર ઓકવાનું ચાલુ રાખશે તો તેમની પણ આવી હાલત થઇ શકે છે.
જદયુના પ્રવક્તા અને નીતિશકુમારના નિકટના સાથી નિરજકુમારે જણાવ્યું હતું કે જદયુને શરદ યાદવ સાથે કોઇ નિસ્બત નથી કે જેઓ બિહારની અંગત મુલાકાતે આવ્યા છે. તેમને લોકોનો મૂડ ચકાસી લેવા દો. જેમણે લાલુપ્રસાદ યાદવ, તેજસ્વી અને મિશા ભારતીને પોતાના આઇકોન બનાવ્યા છે તેનો હવે ખુલાસો કરવો જોઇએ કે હવાલા કૌભાંડના આરોપ મૂક્યા બાદ તેમણે કેમ રાજીનામું આપ્યું હતું. આમ હવે શરદ યાદવની હાલત જ્યોર્જ ફર્નાન્ડિસ જેવી થાય એવા નિર્દેશો મળી રહ્યા છે.