(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
બિહારમાં ભાજપની આગેવાનીવાળા એનડીએ ગઠબંધનમાં લોકપ્રિયતાને કારણે નીતિશકુમાર ચૂંટણીનો ચહેરો બની શકે છે. આ સંદેશ ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત ૧૦ રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીઓમાં ભાજપ અને તેના સાથી પક્ષોના ભૂંડા પરાજયના કેટલાક દિવસ બાદ આવ્યો છે. પટનામાં મુખ્યમંત્રીના આવાસ પર ટોચના નેતાઓ સાથે બેઠક કર્યા બાદ જેડીયુના રાષ્ટ્રીય સચિવ પવન વર્માએ જણાવ્યું હતું કે, બિહારમાં એનડીએના ચહેરા તરીકે નીતિશકુમાર રહેશે કારણ કે તેઓ હાલ મુખ્યમંત્રી છે. ગઠબંધનમાં જેડીયુ પાસે સૌથી વધુ બેઠકો છે. આ બેઠકમાં લાલુ યાદવ, નીતિશકુમાર અને કોંગ્રેસને ભાજપ સામે બિહારમાં મોટી જીત અપાવવામાં મુખ્ય રણનીતિકાર પ્રશાંત કિશોર પણ હાજર રહ્યા હતા.
આ બેઠક કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાર વર્ષની ઉજવણી માટે ભાજપ અને તેના સાથી પક્ષોની બેઠક પહેલા ચર્ચા કરવા માટે રાખવામાં આવી હતી. આ બેઠકમાં નીતિશકુમાર પ્રથમવાર ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારના કામકાજ અંગે બોલશે. પેટાચૂંટણીના આંચકા બાદ એકથી વધુ સાથી પક્ષોએ સ્પષ્ટ કરી દીધું છે કે, ભાજપ કોઇપણ રીતે તેના મોટાભાઇ તરીકે ન હોઇ શકે. આગામી વર્ષની રાષ્ટ્રીય ચૂંટણીઓ માટે પાર્ટીઓ તૈયારી કરે છે ત્યારે જેડીયુ પણ સંસદીય વિસ્તારોમાં પોતાના ફેલાવા માટે વિચારી રહી છે. ભાજપે જો કે એમ કહીને વાતને ટૂંકાવી હતી કે, અમારી વચ્ચે કોઇ મતભેદ નથી. બિહાર ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ કહ્યું કે, જ્યારે અમારા દિલ મળી ગયા છે તો બેઠકો કોઇ મોટો સોદો નથી. નીતિશકુમાર ગયા વર્ષે ભ્રષ્ટાચારના આરોપો મુદ્દે રાજદ અને કોંગ્રેસનો સાથ છોડી ભાજપ સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. જ્યારે ૨૦૧૩માં નીતિશે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે રજૂ કર્યા બાદ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. ત્યારબાદથી જેડીયુ પેટાચૂંટણીઓમાં કાંઇ ખાસ કરી શકી નથી અને લાલુના પુત્રની ટીકાઓનો ભોગ બની છે. હાલમાં બિહારમાંથી જેડીયુ પાસે ફક્ત બે સંસદીય બેઠકો છે. જો વિધાનસભામાં તેની અને ભાજપના સભ્યોની ગણતરી કરવામાં આવે તો તે આગામી સમયમાં પોતાનો ફાળો વધારી શકે છે. ૨૦૧૪માં બિહારની ૪૦ લોકસભા બેઠકો પરથી ભાજપે ૨૨ પર જીત મેળવી હતી જ્યારે જેડીયુએ અલગથી ચૂંટણી લડી હતી.

બિહાર : બેઠકોની વહેંચણી મામલે NDAમાં દુવિધા

નવી દિલ્હી,તા. ૪
વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીમાં લાગી ગયા છે. બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને ચિત્ર હજુ પણ સ્પષ્ટ થયું નથી. જુદા જુદા રાજ્યોમાં એકબાજુ ભાજપની સામે ગઠબંધન બનાવવાની તૈયારી ચાલી રહી છે ત્યારે ભાજપે પોતાના ગઠબંધનમાં રહેલા સાથી પક્ષો સાથે ચિત્ર સ્પષ્ટ કર્યું નથી. એનડીએની દ્રષ્ટિથી બે રાજ્યોમાં મામલો અટવાઈ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. એકબાજુ મહારાષ્ટ્રમાં એનડીએના સાથી પક્ષ શિવસેનાએ બળવો કરવાની તૈયારી કરી છે. બીજી બાજુ બિહારમાં નીતિશકુમાર, રામવિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહની સાથે બેઠકોની વહેંચણીને લઇને ફોર્મ્યુલા નક્કી કરી શકાય નથી. જેડીયુએ સ્પષ્ટતા કરી છે કે, બિહારમાં એનડીએના નેતા નીતિશકુમાર રહેશે. પહેલાથી જ પાર્ટી ૨૫ સીટો ઉપર ચૂંટણી મેદાનમાં ઉતરી છે. બીજી બાજુ સુશીલ મોદીએ કહ્યું છે કે, અમે મોદીના નામ ઉપર અને નીતિશકુમારના કામ ઉપર મત માંગીશું. કોણ કેટલી સીટ ઉપર લડશે તે બાબત મોડેથી નક્કી કરવામાં આવશે. દેશમાં લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ પેટાચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજકીય ગરમી વધી ગઈ છે. પેટાચૂંટણીમાં ભાજપને ફટકો પડ્યા બાદ બિહારમાં એનડીએના સાથી પક્ષો દ્વારા પણ રાજકીય દબાણ વધારવાની શરૂઆત કરી દીધી છે. નીતિશકુમાર આની પહેલ કરી ચુક્યા છે. હાલમાં જ નીતિશકુમારે નોટબંધી અને વિશેષ રાજ્યનો દરજ્જોનો મુદ્દો ઉઠાવ્યો હતો. બીજી બાજુ રવિવારના દિવસે જેડીયુની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, નીતિશકુમાર બિહારમાં એનડીએના ચહેરા તરીકે રહેશે. બેઠકોની વહેંચણીને લઇને ખેંચતાણ ચાલી રહી છે. આ મામલાને હવા જેડીયુ દ્વારા જ આપવામાં આવી છે. બેઠક બાદ જેડીયુના પ્રવક્તા અજય આલોકે કહ્યું છે કે, તેમની પાર્ટી ૨૫ સીટો ઉપર ચૂંટણી લડતી રહી છે જ્યારે ભાજપે ૧૫ સીટો ઉપર ચૂંટણી લડી છે. આજે આલોકના કહેવા મુજબ તેમની પાર્ટીમાં ભ્રમની કોઇ સ્થિતિ નથી. હવે અન્ય કેટલીક પાર્ટીઓ પણ અમારી સાથે છે જેથી તમામ મોટા નેતાઓ મળીને બેઠકોની વહેંચણી અંગે નિર્ણય લેશે. એનડીએ ગઠબંધનના ચહેરા તરીકે નીતિશકુમાર રહેશે. બીજી બાજુ સુશીલ મોદીનું કહેવું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે પરંતુ બિહારના નેતા નીતિશકુમાર છે જેથી બિહારમાં જે મત મળશે તે મોદીના નામ ઉપર અને નીતિશકુમારના કામ ઉપર મળશે. આમા કોઇ વિરોધાભાષની સ્થિતિ નથી. સુશીલ મોદી આ પ્રકારની વાત કરી રહ્યા છે પરંતુ જેડીયુના સુર અલગ દેખાઈ રહ્યા છે. બિહારમાં ૪૦ સીટો રહેલી છે. ૨૦૧૪માં નીતિશકુમાર એનડીએની સાથે ન હતા. એકલા હાથે મેદાનમાં ઉતર્યા હતા. એનડીએમાં તે વખતે ભાજપ, એલજેપી, આરએલએસપી હતા. ભાજપે ૨૯ સીટ ઉપર ચૂંટણી લડી હતી. જેમાં ૨૨માં તેને જીત મળી હતી. એલજેપીએ સાત ઉપર ચૂંટણી લડી હતી અને છમાં જીત મેળવી હતી. આરએલએસપીએ ચાર ઉપર ચૂંટણી લડી હતી અને ત્રણમાં જીત મેળવી હતી. એનડીએના ખાતામાં ૩૨ સીટો આવી હતી. નીતિશકુમારના જેડીયુને માત્ર બે સીટો મળી હતી. સ્થિતિ આ વખતે જુદી દેખાઈ રહી છે.