(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ પોતાના છેલ્લા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મુસ્લિમોમાં અગવડતા અને અસુરક્ષાની ભાવના અનુભવાઈ રહી છે. એમના આ પ્રકારના નિવેદનથી ચોમેરથી ટીકાઓ વરસી હતી.
શાસક ભાજપના ઘણા નેતાઓએ આલોચના કરી હતી. હવે સંઘના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશકુમારે અન્સારીની સખ્ત ટીકા કરતાં કહ્યું છે કે એ દેશમાં જઈને વસો જ્યાં તમે સુરક્ષિત અનુભવી શકો. હું અન્સારીને એક વિનંતી કરીશ કે તમે અને તમારા જેવા અન્ય મુસ્લિમો જે આ દેશમાં અસુરક્ષિતતાનો અનુભવ કરી રહ્યા છે. એ મને એ દેશનું નામ બતાવે જ્યાં મુસ્લિમો ભારત કરતાં વધુ સુરક્ષિત છે અને એ લોકોએ તે દેશમાં જતાં રહેવું જોઈએ. નાગપુરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં સંબોધન કરતાં એમણે કહ્યું કે અન્સારીના નિવેદન સાથે મુસ્લિમો પણ સંમત થશે નહીં. હામિદ અન્સારી એવા દુર્ભાગ્યશાળી વ્યક્તિ છે જેમની વાતને દેશનો કોઈ નાગરિક સમર્થન નહીં આપે.
મુસ્લિમોએ પણ મોટી સંખ્યામાં બહાર આવી એમનો વિરોધ કર્યો છે. હામિદ અન્સારી ૧૦ વર્ષ સુધી આ પદ ઉપર રહ્યા અને બિનસાંપ્રદાયિકતાને વરેલ રહ્યા. હોદ્દા ઉપરથી ઉતરતા જ એમણે કટ્ટરપંથી હોવાનું લેબલ પોતાના નામે કરી લીધું.