(એજન્સી) તા.૩
બુધવારે બપોરે હિન્દુ યુવા વાહિનીના સશસ્ત્ર કાર્યકરોએ અલીગઢ મુસ્લિમ યુનિ.ના યુનિયન હોલમાં લાગેલી મોહમ્મદ અલી ઝીણાની છબિ હટાવવાની માગણી સાથે યુનિ. કેમ્પસ પર કરેલા હુમલામાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. નોંધનીય બાબત તો એ છે કે ઝીણાની જે છબિ હટાવવા માટે હિંસક માગણી કરવામાં આવી હતી તે છેલ્લા ૮૦ વર્ષથી એ.એમ.યુ.ના યુનિયન હોલમાં લાગેલી છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી એક કાર્યક્રમમાં હાજર રહેવા માટે એ.એમ.યુ.ની મુલાકાતે આવવાના હતા. તેની થોડી કલાકો પહેલાં હિન્દુ યુવા વાહિનીના લગભગ ૩૦ જેટલા સશસ્ત્ર કાર્યકરો એ.એમ.યુ. કેમ્પસમાં પ્રવેશ્યા અને શસ્ત્ર પ્રદર્શન કરી વિદ્યાર્થીઓ સામે જોખમ ઊભું કર્યું. એ.એમ.યુ.ના છાત્રસંઘના વિદ્યાર્થીઓએ હિન્દુ યુવા વાહિનીના છ કાર્યકરોને પકડીને પોલીસને સોંપ્યા પરંતુ પોલીસે તેમના વિરૂદ્ધ એફ.આઈ.આર. દાખલ ન કરી અને તેઓને છોડી દીધા. પોલીસના આ પગલાંનો વિરોધ કરવા જ્યારે એ.એમ.યુ.ના વિદ્યાર્થીઓ એકત્ર થયા ત્યારે પોલીસે નિર્દયતાથી તેમના પર લાઠી ચાર્જ કર્યો અને હિન્દુ યુવા વાહિનીના કાર્યકરોએ પથ્થરમારો કર્યોે. આ દરમ્યાન સંખ્યાબંધ વીદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જેમાં એ.એમ.યુ. છાત્રસંઘના પ્રમુખ મસકૂર અહેમદ ઉસ્માની, સેક્રેટરી મોહમ્મદ ફહાદ અને પૂર્વ ઉપપ્રમુખ મઝિન ઝૈદીનો સમાવેશ થાય છે. આ બધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. લગભગ બે કલાક સુધી બેભાન રહેલા ઉસ્માનીએ ભાનમાં આવ્યા પછી કહ્યું કે પોલીસ અને સંઘ પરિવારના સભ્યો દ્વારા યુનિ. અને વિદ્યાર્થીઓ પર થયેલો હુમલો પૂર્વ આયોજિત હતો. પોલીસ હિન્દુ યુવા વાહિનીના ૩૦ સભ્યોને સંભાળી શકતી નથી પરંતુ તે સેંકડો નિર્દોષ વિદ્યાર્થીઓને નિર્દયતાથી મારી શકે છે.
ઉલ્લેખનીય છે કે અલીગઢ મુસ્લિમ યુનિ.ના યુનિયન હોલમાં જે ઝીણાની છબિ છે. તે તાજેતરમાં લગાવવામાં આવી નથી પરંતુ આઝાદી પહેલાં લગાવવામાં આવી હતી ત્યારે ભારતના ભાગલા થયા ન હતા અને પાકિસ્તાનનું સર્જન થયું ન હતું. એ.એમ.યુ.માં ઈતિહાસના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા મોહમ્મદ સજ્જાદે કહ્યું હતું કે જ્યારે ૧૯૩૮માં ઝીણાને અલીગઢ મુસ્લિમ યુનિ.ના છાત્રસંઘની જીવનપર્યત સભ્યતા આપવામાં આવી ત્યારે આ છબિ લગાવવામાં આવી હતી. ઉસ્માનીએ કહ્યું હતું કે જે લોકો અલીગઢ મુસ્લિમ યુનિ. પર હુમલો કરી રહ્યા છે તેમેણે યાદ રાખવું જોઈએ કે આર.એસ.એસ.માં મહત્ત્વની વ્યક્તિ ગણાતા વિનાયક દામોદર સાવરકરે જે વર્ષો સુધી હિન્દુમહાસભાના અધ્યક્ષ હતા. તેમણે કોંગ્રેસ દ્વારા અંગ્રેજો વિરૂદ્ધ ચલાવવામાં આવતા અસહકાર આંદોલનનો બહિષ્કાર કર્યો હતો અને દેશના ભાગલા પહેલાં બે પ્રાંતોમાં ઝીણાની મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કર્યું હતું.