(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં બાળકોના રમકડાઓનો ઉલ્લેખ કર્યો જે મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર નિશાન તાક્યું છે. જેઈઈ-નીટ પરીક્ષા વિવાદને ટાંકીને રાહુલ ગાંધીએ જણાવ્યું કે, પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થી વડાપ્રધાન પાસેથી ‘પરીક્ષા પર ચર્ચા’ની આશા કરી રહ્યા હતા. જો કે વડાપ્રધાન મોદી ‘રમકડા પર ચર્ચા’ કરી રહ્યા છે. સપ્ટેમ્બર માસમાં જેઈઈ પરીક્ષાનું આયોજન કરાવવાના સરકારના નિર્ણયનો વિપક્ષી દળો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ વીડિયો મેસેજ દ્વારા સરકારને પરીક્ષાઓ મોકૂફ રાખવાની માંગ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં સ્વદેશી ટોય (રમકડાં) હબ બનાવવાની વાત કરી હતી. સાથે જ તેમણે આ ક્ષેત્રને અપીલ કરી કે પર્યાવરણ સાથે સંલગ્ન ટોય બનાવવા માટે તેઓ આગળ આવે. મન કી બાતમાં વડાપ્રધાને જણાવ્યું કે, હું આપણા ઉદ્યમી મિત્રોને જણાવવા માંગું છું કે, આવો રમકડાં બનાવો અને હવે આપણે બધાએ લોકલ ટોયના પ્રતિ વોકલ થવાની જરૂર છે.