(એજન્સી) તા.ર૭
પંજાબના અમૃતસરમાં આવેલા મજીઠા ગામમાં પોલીસે આચરેલી બર્બરતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં પોલીસ કર્મીઓએ એક મહિલાને ગાડીની છત સાથે બાંધી તેને ઝડપથી દોડાવી હતી. આગળ જતાં વળાંક આવતા આ મહિલા જીપની છત પરથી નીચે પટકાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ પીડિત મહિલાનું નામ જસવિંદર કૌર છે અને તેના સસુર બલવંતસિંહ સ્થાનિક કોંગ્રેસી નેતા છે. મહિલાએ મીડિયાને જણાવ્યું હતું કે પોલીસ તેના સસુરની ધરપકડ કરવા આવી હતી પરંતુ ઘરમાં સસુર હાજર ન હોવાથી તેમના પતિને પકડીને લઈ જવા લાગી જ્યારે જસવિંદરે પોલીસની આ કાર્યવાહીનો વિરોધ કર્યો ત્યારે પોલીસકર્મીઓએ જસવિંદરને જીપની છત સાથે બાંધી જીપ દોડાવી મૂકી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.