(સંંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૫
મથાવડા ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મના મામલે મદદકર્તા આરોપી શિક્ષક પચ્ચીસ દિવસે પણ ન ઝડપાતા આજે રેલી યોજી મામલતદારને આપવામાં આવેલ આવેદન પત્ર સમયે ઘટતું કરવામાં નહીં આવે તો જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તળાજાના જાહેર માર્ગો પર આજે બપોરના સમયે મથાવડા દુષ્કર્મના મામલે આજે રેલી યોજવામાં આવી હતી. મથાવડાના સરપંચની આગેવાનીમાં નીકળેલ રેલી મામલતદાર કચેરીએ પહોંચી ઈન્ચાર્જ મામલતદાર રાજેન્દ્રસિંહ સરવૈયાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મદદકર્તા આરોપીને તાત્કાલિક ઝબ્બે કરવાની માંગ કરવામાં આવી હતી તથા રજૂઆત કર્તા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે, ઘટતું નહીં થાય તો ઉગ્ર આંદોલન, જેલભરો આંદોલન પણ કરીશું. પોલીસ પ્રશાસન દ્વારા ચાર દિવસ પહેલાં યોજાયેલ રેલીમાંથી બોધપાઠ લઈ આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. રેલીમાં સંખ્યા ઓછી અને શાંતિપૂર્વક આવેદનપત્ર આપવામાં આવતા પોલીસે પણ હાંશકારો અનુભવ્યો હતો.