જૂનાગઢ, તા. ૧
જેતપુરના પેઢલા ગામે આવેલ નાફેડે ભાડે રાખેલ રો-હાઉસમાંથી મગફળીની ગુણીઓમાંથી માટી અને પથ્થરો નીકળતાં મગફળી ખરીદવા આવેલ વેપારીઓમાં ઉહાપોહ મચાવતાં ચકચાર મચી જવા પામી હતી. ઉહાપોહના પગલે મેનેજર રો-હાઉસ અને તાળા મારી ફરાર થઈ ગયો હતો. આ બનાવના પગલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી. કૌભાંડના જવાબદારો સામે પગલાં ભરી તાત્કાલિક કાર્યવાહી કરી જેલ ભેગા કરી કૌભાંડની તપાસ કરવાની માંગ કરી છે.
જૂનાગઢ જિલ્લાના માળિયા (હાટીના) તાલુકાના મોટી ઘણેજ એવી સહકારી મંડળીને સરકાર દ્વારા ખેડૂતોને પોતાની મગફળીના પોષણક્ષમ ટેકાના ભાવ મળી રહે તે માટે ટેકાભાવે ખેડૂતોને મગફળી ખરીદ કરવાનું કેન્દ્ર સરકાર દ્વારા ઉક્ત મંડળીને આપેલ. ત્યારે તા. પ/ર/૧૮ના રોજ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રજૂઆત કરાઈ હતી કે, ઉક્ત મંડળીએ જે મગફળી ખરીદ કરેલ છે. તેમાં ૩પ કિલોની એક બોરી દીઠ ર૦ કિલો માટી, કાંકરા અને ઢેફા ભરેલ છે. જે અંગે ધારાસભ્ય દ્વારા તાત્કાલિક તા. ૬/ર/૧૮ના રોજ ડીઆઈજી, સીઆઈડી, ક્રાઈમબ્રાંચ ગાંધીનગરને રજૂઆત કરાઈ હતી અને જે તે સમયે ગોંડલ અને શાપર-વેરાવળ મગફળીના ગોડાઉનમાં અગ્નિકાંડની તપાસ સીઆઈડી પાસે હતી. ત્યારે મોટી ઘણે જ એવા સહકારી મંડળીના સદસ્યોએ તેમની રજૂઆતમાં આક્ષેપ કર્યો હતો કે, ગોંડલ અને શાપર-વેરાવળ અગ્નિકાંડ સુધી મોટી ઘણેજ એવા સહકારી મંડળીના કૌભાંડિયાઓના સુરાગ તો નથી ને ? તેવી શંકા વ્યક્ત કરી હતી જ્યારે ઘણે જ એવા સહકારી મંડળીના સભ્યો દ્વારા જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીમાં તા. પ/ર/૧૮ના રોજ આપના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પ્રશ્ન મૂકેલ તે પ્રશ્નમાં આપશ્રીનું ડાયરેક્ટ મોનીટરીંગ હોવા છતાં પણ તે પ્રશ્નમાં આપશ્રી તરફથી કે આપના સેક્રેટરી તરફથી જે અનુસંધાન આજે ૬ માસ પૂર્ણ થવા આવેલ છતાંય કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં આખરે તે મગફળીના વેચાણ સમયે જ્યારે વેપારીઓ પેઢલા ગામે ડિલિવરી લેવા પહોંચેલ ત્યારે બોરીઓમાં તપાસ કરતાં મોટી ઘણેજ સેવા સહકારી મંડળીના સંચાલકોએ કરેલ કૌભાંડનો ભાંડો ફૂટી ગયો હતો.
ઉપરોક્ત અરજદારો વતીની રજૂઆતમાં જે તે સમયે જ તપાસ કેમ કરવામાં ન આવી ? શા માટે ૬-૬ માસ સુધી કેમ ગોડાઉન સુધી કોઈ તપાસનીશ અધિકારીઓ રોકાયા નહીં ? ગોડાઉનમાં મગફળી ઠાલવતાં પહેલા તપાસનીશ અધિકારીએ મગફળીની ક્વોલિટીની તપાસ નથી કરી ? અને જો ન કરી હોય તો કોની સૂચનાથી નથી કરી ? આ કૌભાંડમાં કયા-કયા મોટા માથા સંડોવાયેલા છે ?
ઉપરોક્ત રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈ કૌભાંડમાં સામેલ જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરી તેમને જેલ ભેગા કરી રાજ્યના તમામ ગોડાઉનમાં મીડિયાના મિત્રો અને જ તે વિસ્તારની જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી તપાસ કરવા પડકાર ફેક્યો છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદેલ મગફળીના તમામ ગોડાઉનમાં સરકાર ૧૦ દિવસમાં તપાસ કરે નહીતર જનતારેડ કરવાની અંતમાં ચીમકી આપી છે.