(એજન્સી) લખનઉ, તા. ૭
ત્રણ એમએલસી ભાજપમાં જોડાયા બાદ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે આજે એવું જણાવ્યું કે જેઓ પાર્ટી છોડીને જવા માંગતા હોય તેઓ જઈ શકે છે પરંતુ આ માટે કોઈ બહાના કાઢવાની જરૂર નથી. તેમણે કહ્યું કે જેઓ છોડી જવા માંગે છે તેઓ જાય આનાથી અમને એવી ખબર પડી જશે કે અમારા ખરાબ સમયમાં કોણે અમને સાથ આપ્યો, કોણ અમને છોડી ગયું છે. તેમણે કહ્યું કે કેટલાકને એવુ લાગી રહ્યું છે કે પાર્ટીનું વાતાવરણ દૂષિત થઈ ગયું છે અને ગૂંગળામણ થાય છે. તાજેતરમાં સમાજવાદી પાર્ટીના ત્રણ વિધાન પરીષદના સભ્યો રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ ગયાં હતા. યાદવે કહ્યું કે પાર્ટી સારૂ કામ કરી રહી છે અને મહિલાઓ, ખેડૂતો, યુવાનો તાજેતરમાં પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. પરંતુ જેઓ પાર્ટી છોડીને જવા માંગતા હોય તેઓ બહાના કાઢ્યાં વગર જઈ શકે છે. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ લખનઉ પાર્ટી મુખ્યાલય ખાતે કાર્યકરોને સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે આવી ટીપ્પણી કરી હતી. યાદવે કહ્યું કે ઈદના દિવસે મેં નવાબ કે જેઓ એસપીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે, તેમની સાથે સ્વાદિષ્ટ ભોજન કર્યું હતું. તે સમયે નવાબે એવો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો કે તેઓ પાર્ટી છોડી રહ્યાં છે. તેમણે ઉમેર્યું કે અમારા ધ્યાને આવ્યું છે કે કેટલોક જમીનનો વિવાદ ચાલતો હતો અને તેને કારણે તેમની પર દબાણ થઈ રહ્યું હતું. નવાબ અને ભાજપની ઝાટકણી કાઢતાં યાદવે કહ્યું કે ભાજપ સારૂ કામ કરી રહી છે. પરંતુ દુર્ભાગ્યે, કોઈ વ્યક્તિ ભાજપમાં ન હોય ત્યારે તેની જમીન માફીયા કહેવામાં આવતો હોય છે.