(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૨૪
આણંદ શહેરમાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ થાય ત્યાં સુધી આણંદ પાલિકા જનરલ હોસ્પિટલને સિવિલ સમકક્ષ દરજ્જો અપાતા પેટલાદની સિવિલ હોસ્પિટલે આણંદ પાલિકા જનરલ હોસ્પિટલનો કબજો સંભાળી લીધો છે અને અહીંયા ડૉક્ટરની નિમણૂક કરવામાં આવી છે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ૧૧૨ કર્મચારીઓના મહેકમને મંજૂરી આપવામાં આવી છે અને આગામી ૧૫ દિવસમાં પાલિકા જનરલ હોસ્પિટલમાં જુદા જુદા રોગોના તબીબોની નિમણૂક કરવામાં આવશે અને તે સાથે જ આ હોસ્પિટલ ધમધમતી થઈ જશે. આણંદ શહેરમાં સિવિલ હોસ્પિટલના મુદ્દે મડાગાંઠો ચાલી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ શરૂ ન થાય ત્યાં સુધી આણંદ નગરપાલિકા સંચાલિત જનરલ હોસ્પિટલને સિવિલ હોસ્પિટલ સમકક્ષ દરજ્જો આપવામાં આવ્યો છે અને તે અંતર્ગત નગરપાલિકા પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા પાલિકા જનરલ હોસ્પિટલનો કબજો સંભાળી લેવામાં આવ્યો છે અને અહીંયા સિવિલ સમકક્ષ તમામ સુવિધાઓ ઊભી કરવા માટે કવાયત ચાલી રહી છે. આ અંગે જાણવા મળ્યા મુજબ પાલિકા જનરલ હોસ્પિટલમાં ૧૧૨ કર્મચારીઓના મહેકમને મંજૂરી આપી દેવામાં આવી છે તેમજ હાલમાં મેડિકલ ઓફિસર તરીકે તેજસ પટેલની નિમણૂક કરવામાં આવી છે. જેના કારણે દૈનિક ઓપીડીમાં ૧૫૦થી વધુ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જ્યારે આગામી ૧૫ દિવસમાં ફિઝીશીયન, સર્જન, ઓર્થોપેડીક, બાળરોગ નિષ્ણાંત, ચામડી રોગના નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત સહિત વિવિધ તબીબોની નિમણૂકો કરવામાં આવનાર છે તેમજ હોસ્પિટલમાં નિષ્ણાંત નર્સીગ સ્ટાફ તેમજ પોસ્ટમોર્ટમ માટેનો સ્ટાફ પણ ભરતી કરવામાં આવનાર છે અને આગામી એકાદ માસમાં આ હોસ્પિટલ સંપૂર્ણ પણે ધમધમતી થઈ જાય તેમ લાગી રહ્યું છે.