(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૪
ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો ખાનગી શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકે તે માટે કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા રાઈટ ટુ એજયુકેશન (આરટીઈ) હેઠળ અરજી કરવા ગુજરાતની ભાજપ સરકારે ગરીબ બાળકો ખાનગી શાળામાં પ્રવેશ જ ન મેળવી શકે તેવો વિચિત્ર પરિપત્ર બહાર પાડયો હોવાનું જાણવા મળ્યું છે. પરિપત્રમાં જણાવાયું છે કે ભાડે રહેતા હોય તે વાલીના બાળકને આરટીઈ હેઠળ પ્રવેશનો લાભ મળશે નહીં. જે રાજય સરકાર સીધે સીધું ખાનગી શાળાઓને ફાયદો કરાવવા માગતી હોય તેમ જણાય છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના કોંગ્રેસના સભ્યએ જણાવ્યું છે કે રાજય સરકારના પરિપત્ર મુજબ ભાડેથી રહેતા હોય તેવા પરિવારના બાળકને આરટીઈ હેઠળ લાભ મળે નહીં એનો મતલબ પોતાનું મકાન હોય તેવા ઉચ્ચ માધ્યમ વર્ગ કે અમીરોના બાળકો જ રપ ટકા ગરીબ વિદ્યાર્થીઓની બેઠક પર પ્રવેશ મેળવી શકશે. રાજય સરકારને એટલુ તો ભાન હોવું જોઈએ કે મોટા ભાગે ભાડે રહેનાર જ ગરીબ હોય કારણ કે જેઓ નાણાના અભાવે પોતાનું મકાન વસાવી શકતા નથી તેઓ જ ભાડાના મકાનમાં કે સરકારી જમીન પર ઝુંપડુ કે કાચું મકાન બાંધી રહેતા હોય છે તેમની પાસે મકાનના કોઈ પુરાવા હોતા નથી. આનાથી મોટા ગરીબ બીજુ કોણ હોઈ શકે ?
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો. મનિષ દોશીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર બે મોઢાની વાતો કરી રહી છે એક તરફ જે ગરીબોને પોતાના મકાન નથી તેમને ઘરનું ઘર આપવાની વાતો કરે છે. બીજી બાજુ ભાડાના મકાનમાં રહેતા હોય તેવા પરિવારના બાળકોને આરટીઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશનો લાભ મળી શકે નહી તેવું ફરમાન જારી કરે છે આમ સરકારના નીતિ નિયમો જ એવા છે કે ગરીબોના રહેઠાણ છીનવાઈ જાય અને શિક્ષણનો અધિકાર પણ છીનવાઈ જાય. કોંગ્રેસ પક્ષ ગરીબ બાળકોના છીનવાતા શિક્ષણના હક અંગે મુખ્યમંત્રી અને રાજયપાલને રજૂઆત કરશે. તથા ગરીબ બાળકોને મફત શિક્ષણનો અધિકાર મળે તે માટે છેક સુધી લડત ચલાવશે આરટીઈ હેઠળ ગરીબોને મફત શિક્ષણની માહિતી મળી રહે તે માટે કોંગ્રેસ પક્ષની વિવિધ પાખ દ્વારા રથ પણ ફરતો મુકાયો છે. જે પ્રજામાં જાગૃતિ ઉભી કરવાનું કામ કરશે.

વાલીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં અનેક મુશ્કેલીઓ પડતી હોવાની ફરિયાદ

ભાજપ સરકારે મને કમને RTE એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ તો કરી પરંતુ પડદા પાછળ તેની ભૂમિકા ખાનગી શાળાઓને લાભ કરાવી આપવાની હોય તેવી જ રહી છે. ખાનગી શાળાઓની ફી નિર્ધારણ કરવામાં રાજ્ય સરકારની ભૂમિકાના શંકાના દાયરામાં છે ત્યારે RTE હેઠળ નવું ફરમાન જારી કરી ખાનગી શાળાઓને લાભ કરાવવાની નીતિ હોય તેમ જણાય છે. માંડ માંડ શરૂ કરેલી પ્રવેશ પ્રક્રિયા આગળ વધી રહી છે ત્યારે ઓનલાઈન ફોર્મ ભરવામાં વાલીઓને અનેક મુશ્કેલીઓ નડી રહી છે એક તો કલાકો સુધી વેબસાઈટ ખૂલતી નથી અને માંડ માંડ ફોર્મ ભર્યા બાદ વાલીઓને પહોંચ આપવામાં કેટલીક શાળાઓ ધક્કા ખવડાવતી હોવાની ફરિયાદો મળી છે.

કેન્દ્રએ ભાડા કરાર પર મનાઈ નથી કરી તો ગુજરાત સરકારે કેમ પ્રતિબંધ મૂક્યો ?

રાઈટ ટુ એજ્યુકેશન એ કેન્દ્રનો કાયદો છે અને તેમાં જો ભાડા કરાર પર મનાઈ ન હોય તો સરકાર પોતે ઠરાવ કરીને આ પ્રકારનો પ્રતિબંધ કેવી રીતે ફરમાવી શકે. આમ, આ મામલે ટૂંક સમયમાં જ મોટો હોબાળો થાય અને કદાચ સરકારને કોર્ટ કેસનો પણ સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.પોતાના નિર્ણયના બચાવમાં આરટીઈ વિભાગના અધિકારીઓ એવી દલીલ કરી રહ્યા છે કે, બોગસ ભાડાં કરાર રજૂ કરીને જેમની લાયકાત નથી તેવા વાલીઓના સંતાનો પ્રવેશ મેળવતા અટકે તે માટે આ જોગવાઈ કરી છે. ત્યારે સવાલ એ ઉઠાવવામાં આવે છે કે, પાછલા કેટલાય વર્ષથી ધનવાન અને સમૃદ્ધ વર્ગના વાલીઓ મામલતદાર કે કલેક્ટર પાસેથી બેફામપણે આવકના ખોટા પ્રમાણ પત્રો લઈ આવતા હતા તે અટકાવવા સરકારે હજુ સુધી કોઈ સરકારી કર્મચારી સામે તો પગલાં ભર્યાં નથી, ત્યારે આ રીતે માત્ર અને માત્ર વાલીઓને જ શંકાના દાયરામાં રાખી અવિચારી પ્રતિબંધો ફરમાવી સરકાર કોને બચાવી રહી છે ?

સરકારના જવાબદાર અધિકારી પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ પ્રવેશ આપે તેવી માંગ

આરટીઈ એક્ટનો ઉદેશ્ય ગરીબ બાળકોને ખાનગી સ્કૂલોમાં ૨૫ ટકા પ્રમાણે પ્રવેશ આપવાનો છે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા તો ગરીબ પરિવારના બાળકોને પ્રવેશ આપવાથી બાકાત રાખવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે. જે પરિવાર પાસે રહેવા પોતાનું મકાન નથી, ધંધો રોજગાર મેળવવા ગામ છોડી શહેરમાં સ્થળાંતર કર્યું છે તેવા પરિવાર પાસે રહેણાકના પુરાવા ન હોય તે હકીકત છે. આથી આવા પરિવારના બાળકોને પ્રવેશ આપવો વધુ અનિવાર્ય બની જાય છે છતાં પ્રવેશથી વંચિત રાખવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. મકાન ન હોય તેવા પરિવારના બાળકોના ફોર્મ સ્વીકારી જે-તે અધિકારી દ્વારા પરિવારની રૂબરૂ મુલાકાત લઈ પ્રવેશ આપવો જોઈએ તેવી માગ ઊઠી છે.