(એજન્સી)
બૈરૂત, જકાર્તા, તા.૧૧
જેરૂસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાના વોશિંગ્ટનના વિવાદાસ્પદ નિર્ણયના વિરોધમાં અમેરિકાના દૂતાવાસ નજીક પ્રદર્શન કરી રહેલા લોકોને વિખેરવા લેબેનોનના સુરક્ષા દળોએ ટિયરગેસના સેલ અને પાણીનો મારો ચલાવ્યો હતો.
બૈરૂતના બહારના વિસ્તાર અવકરમાં હાજર એક પત્રકારે જણાવ્યું હતું કે, સેંકડો પેલેસ્ટીની સમર્થકો અમેરિકાના દૂતાવાસ બહાર એકઠા થયા હતા. દૂતાવાસ તરફ જતા માર્ગો પર બેરીકેટ લગાવી દેખાવકારોને અટકાવવામાં આવ્યા હતા. દળોએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા તથા પાણીનો મારો ચલાવ્યો હતો. દેખાવકારો બળપૂર્વક દૂતાવાસના દરવાજા ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પત્રકારના જણાવ્યા મુજબ, પથ્થરમારા અને ટિયરગેસના કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા. સુરક્ષા દળો તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી. જેરૂસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય વિરૂદ્ધ ઈન્ડોનેશિયામાં લગભગ દસ હજાર લોકોએ પેલેસ્ટીનના સમર્થનમાં અમેરિકન દૂતાવાસ બહાર રેલી યોજી હતી. પ્લેકાર્ડ પર લખવામાં આવ્યું હતું કે, અમેરિકી દૂતાવાસ અલ-કુદ્‌સથી બહાર જાવ. અમે પેલેસ્ટીનના સાથે છે. ટ્રમ્પ દ્વારા ગત છઠ્ઠી ડિસેમ્બરે લેવાયેલા નિર્ણય બાદ ઈસ્લામિક પ્રોસ્પરસ જસ્ટિસ પાર્ટી તરફથી રવિવારે બીજી વખત દેખાવો કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ જોકો જોકોવી વિડોડોએ ટ્રમ્પના નિર્ણયની કડક શબ્દોમાં ટીકા કરતાં જણાવ્યું હતું કે, આ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોના ખુલ્લેઆમ ઉલ્લંઘન સમાન છે. વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયા પેલેસ્ટીનનો સમર્થક છે અને યહુદી રાષ્ટ્ર સાથે તેના કોઈ રાજકીય સંબંધો નથી.