બાડમેેર, તા. ૧૨
રાજસ્થાનના જૈસલમેરના ગામમાં હિંદુઓ દ્વારા કથિત ધમકી મળ્યા બાદ ગામ છોડવા મજબૂર બનેલા ૨૦ મુસ્લિમ પરિવારો સામે હવે નવી સમસ્યા આવી ગઇ છે. જિલ્લા વહીવટીતંત્રના હંગામી કેમ્પમાં અત્યારે તેઓ રહે છે પરંતુ તંત્ર તરફથી ભોજનની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. કેમ્પમાં માળખાકીય સુવિધા પણ ન હોવાથી બાળકો અને મહિલાઓ પરેશાન છે. ૨૦ પરિવારોના આશરે ૧૫૦થી વધુ લોકો પોતાના ગામ દાંતલમાં જવા માગે છે. તેમણે તંત્રને અપીલ કરી છે કે, તેમને અન્ય સુરક્ષિત ઠેકાણે મોકલી દેવામાં આવે. આ પરિવારોએ એક હિંદુ પૂજારી અને તેના ભાઇઓ દ્વારા એક મુસ્લિમ લોકગાયકની કથિત રીતે હત્યા કરી દીધા બાદ ઉપજેલી વિવાદ બાદ ગામમાંથી હિજરત કરી હતી. ઘટનામાં રમેશ સુથાર નામના પુજારી તાંત્રિકની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે તેના ભાઇઓ હજુ ફરાર છે. સુથાર પર આરોપ છે કે, તેણે નવરાત્રી સમારોહમાં ધીમા ભજન ગાવા અંગે ૪૫ વર્ષના લોકગાયક અહમદ ખાનની હત્યા કરી દીધી હતી. બીજા દિવસે ખાનનો મૃતદેહ તેના ઘરની પાસે મળ્યો હતો. ગામના રાજપૂત સમુદાયના લોકોએ ખાનના પરિવારજનોને પોલીસમાં ફરિયાદ નહીં કરવા ધમકી આપી હતી. ત્યારે તેમના પરિવારે ચૂપચાપ દફનવિધિ કરી દીધી હતી. બીજા દિવસે પાસેના ગામના તેમના સંબંધીઓએ આવીને દરેક સંભવ મદદનો વિશ્વાસ અપાવ્યો ત્યારે તેમણે સુથાર અને તેના બે ભાઇઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ રાજપૂતોએ તેમને ગામ છોડી દેવાની કથિત ધમકી આપી હતી અને આ પરિવારોએ ગામ છોડી પાસેના ગામમાં શરણ લીધી હતી. સોમવારે આ પરિવારોએ જૈસલમેરના જિલ્લા કલેક્ટર કેસી મીણા સાથે મુલાકાત કરી હતી તેમણે મદદનું આશ્વાસન આપી નજીકના નગર નિગમ તરફથી તાલતા શેલ્ટર હાઉસમાં મોકલી દીધા હતા. કલેક્ટરે નગર નિગમના અધિકારીઓને ભોજનની વ્યવસ્થા કરવા આદેશ કર્યો હતો. પરંતુ મુસ્લિમ પરિવારો કહે છે કે, તેઓ પોતે જ ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે જે વધુ દિવસ સુધી ચાલે તેમ નથી. તંત્ર ભોજનની વ્યવસ્થા કરવામાં અમારી કોઇ મદદ કરી રહ્યું નથી. બીજી તરફ જૈસલમેર નગર નિગમ અનુસાર તેમની પાસે આ પરિવારોને ભોજન પુરૂ પાડવા માટે ફંડ નથી તેઓ દરરોજ તેમને ભોજન પુરૂ પાડી શકતા નથી.