(એજન્સી) તા.૧૭
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા એડર્ને મંગળવારે ડેમોક્રેટિક કોંગ્રેસના મહિલા સભ્યો વિશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટિ્‌વટની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે તેમને રાજકારણ કરવું પસંદ નથી પણ તેઓ ટ્રમ્પની વાતને સંપૂર્ણપણે નકારે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અશ્વેત મહિલા સાંસદો સામે રવિવારે વાંધાજનક જાતિવાદી ટિપ્પણી કરી હતી. તેમણે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે તે અમેરિકા છોડીને પોતાના ઉજ્જડ અને અપરાધગ્રસ્ત દેશોમાં પાછા ફરે જ્યાંથી તે આવ્યા છે. ડેમોક્રેટ સાંસદ ન્યુયોર્કની એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો કોર્ટેજ, મિનિસોટાની ઈલ્હાન ઉમર, મિશિગનની રાશિદા તાલિબ અને મેસાચુસેટ્‌સની અયાના પ્રેસ્લીએ સોમવારે મીડિયા સમક્ષ ટ્રમ્પની જાહેરમાં ટીકા કરી હતી. એડર્ને આ દરમિયાન કહ્યું કે ન્યૂઝીલેન્ડના લોકોએ સત્તાના ગલિયારામાં વિવિધતાનું સ્વાગત કર્યુ છે. તે માને છે કે તેમની સંસદને એક ખાસ સ્તરે સ્થાન મળવું જોઈએ. તેણે ન્યૂઝીલેન્ડ જેવું દેખાવું અને મહેસૂસ થવું જોઈએ. તેમાં જુદી જુદી સંસ્કૃતિઓ અને જાતિઓનો સમાવેશ થવો જોઈએ. તેમણે કહ્યું કે ગમે ત્યારે કોઇની ઉત્પત્તિ અને તેમના અધિકાર વિશે નિર્ણય ના કરવો જોઇએ. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે કોઈનું નામ લીધું નહોતું પણ તેઓ ખાસ કરીને કોંગ્રેસી મહિલાઓ એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેજ ન્યુયોર્ક, રાશિદ તાલિબ, ઈલહાન ઉમર અને અયાના પ્રેસલીને નિશાન બનાવી રહ્યા હતા. ઓમર અને તાલિબ મુસ્લિમ છે અને ઓમર સોમાલિયાથી ૨૦ વર્ષ પહેલા આવેલ શરણાર્થી પરિવારની સભ્ય છે. આ તમામ સાંસદોએ પછીથી ટ્રમ્પની જાતિવાદી ટિપ્પણીને વખોડતાં એક પત્રકાર પરિષદને સંબોધી હતી. સ્થાનિક મીડિયાએ તેમને એક સ્ક્વોડ તરીકે વર્ણવી હતી. ઓમર અને તાલિબે ફરીવાર કહ્યું હતું કે ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવો જોઈએ.