(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૪
કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીનું દિલ્હીમાં સારવાર દરમ્યાન આખરે નિધન થયેલ છે. ત્યારે તેમના અંગેની કેટલીક રસપ્રદ વિગતોમાં જોઈએ તો તેઓ ગુજરાતના અગાઉ સાંસદ હોવા ઉપરાંત વેવાઈ પણ હતા. મોદી સરકારની પ્રથમ ટર્મમાં સૌથી પાવરફુલ નેતાઓમાંના એક અરૂણ જેટલી કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં ટ્રબલ શૂટર બની રહેતા હતા.
અરૂણ જેટલીનો ગુજરાત અને મોદી સાથે બે દાયકાથી ગાઢ સંબંધ રહેલ છે. જેટલીના પત્નીની ભત્રીજીના લગ્ન ગુજરાત ભાજપના પરિન્દુ ભગત ઉર્ફે કાકુભાઈના પુત્ર મૌલિક સાથે થયા છે તેથી તેઓ ગુજરાતના વેવાઈ પણ છે.
અરૂણ જેટલી પહેલી રાજ્યસભાની ચૂંટણી પણ ગુજરાતમાંથી લડ્યા અને રાજ્યસભાના સાંસદ બન્યા હતા. ત્યારબાદ તેઓએ ૨૦૦૬થી ૨૦૧૨ અને ૨૦૧૨થી ૨૦૧૮ સુધી એમ કુલ મળીને લગભગ ૧૮ વર્ષ સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું.
માત્ર એટલું જ નહીં, વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડ બાદ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવાની લગભગ તૈયારીઓ થઈ ગઈ હતી પરંતુ આ સમયે અડવાણીની સાથે અરૂણ જેટલી પણ તેમના સમર્થનમાં મજબૂતાઈથી ઊભા રહ્યા અને મોદીનું મુખ્યમંત્રી પદ પણ બચી ગયું હતું. આ ઘટના બાદ મોદી અને અરૂણ જેટલી એકબીજાની વધુ નજીક આવ્યા.
વર્ષ ર૦૦રથી ર૦૧૩ સુધીમાં ગુજરાતની વિવિધ ઘટનાઓને લઈ જેટલી, મોદી-શાહની પડખે રહ્યા હતા. મોદી અને શાહના સપોર્ટમાં જેટલીએ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ તત્કાલિન વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહને પત્ર લખ્યો હતો. આ પત્રમાં અરૂણ જેટલીએ તત્કાલિન યુપીએ સરકાર પર તપાસ એજન્સીનો દુરૂપયોગ કરીને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. આ પત્રમાં જેટલીએ હરેન પંડ્યા હત્યા કેસથી લઈ સોહરાબુદ્દીન અને ઈશરત જહાં ફેક એન્કાઉન્ટર કેસ દ્વારા બીજેપીના સંબંધિત નેતાઓને ફસાવવાનો આરોપ મુક્યો હતો.
વર્ષ ૨૦૧૪માં જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતની ગાદી છોડીને દિલ્હીની ગાદી સંભાળી ત્યારે દિલ્હી માટે તેઓ આઉટસાઈડર હતા. દિલ્હી ગાંધીનગરથી એકદમ ભિન્ન હોઈ મોદીને પોતાની કેબિનેટમાં એક એવા વ્યક્તિની શોધ હતી જે દિલ્હી અને લુટિયન્સ ઝોનની રગેરગથી વાકેફ હોય. આ શોધ અરૂણ જેટલીમાં પુરી થઈ હતી. જેટલી એકમાત્ર એવા વ્યક્તિ હતા જેઓ અમિત શાહ બાદ મોદીના સૌથી વધુ વિશ્વાસુ હતા.