(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
ભારતીય રિઝર્વ બેંકના નાયબ ગવર્નર વિરલ આચાર્યે શુક્રવારે પોતાના પ્રવચનમાં સેન્ટ્રલ બેંક માટે સ્વાયત્તાની જોરદાર રીતે હિમાયત કર્યા બાદ કેન્દ્ર સરકાર અને આરબીઆઇ વચ્ચે સર્જાયેલી ખેંચતાણ વચ્ચે એક નાણાકીય સ્થાયી સમિતિની એક બેઠકમાં કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલી અને આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલ સામ-સામે આવી ગયા હતા. સરકારે આરબીઆઇ પાસે નોન-બેંક લેન્ડર્સ દ્વારા સામનો કરવામાં આવતી કોઇ પણ લિક્વિડિટી (તરલતા)ની કટોકટી નહીં વકરવા દેવાની ખાતરી માગી છે અને રિઝર્વ બેંકે પણ નાણાકીય સેક્ટર પર ચાંપતી નજર રાખવાની ખાતરી આપી હોવાનું કહેવામાં આવે છે.
૧૦ મહત્વના મુદ્દા
૧. અરૂણ જેટલીના નેતૃત્વમાં નાણાકીય સ્થિરતા અને વિકાસ કાઉન્સિલની યોજાયેલી બેઠકમાં આદાન-પ્રદાન થયું હતું. આ બેઠકમાં આરબીઆઇના વડા તરીકે ઉર્જિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
૨. રિઝર્વ બેંકના નાયબ ગવર્નર વિરલ આચાર્યે પોતાના પ્રવચનમાં એવી ચેતવણી આપી હતી કે આરબીઆઇની સ્વતંત્રતા ઓછી આંકવાની બાબત સંભવિત વિનાશ સર્જાઇ શકે છે.
૩. વિરલ આચાર્યે જણાવ્યું હતું કે સરકારો સેન્ટ્રલ બેંકની સ્વતંત્રતાને માન આપતી નથી, ટૂંક સમયમાં જ નાણાકીય બજારોના રોષનો સામનો કરવો પડશે. આર્થિક સમસ્યાઓ સર્જાઇ શકે છે અને જે દિવસે સરકાર મહત્વની નિયામક સંસ્થાને ઓછું આંકશે તે દિવસે પસ્તાવવો પડશે. વિરલ આચાર્યની આરબીઆઇની સ્વાયત્તા અંગેની ટિપ્પણી સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે શેર કરવામાં આવી છે.
૪. પ્રવચન માટે આ થીમ અપનાવવાનું સૂચન કરવા બદલ આચાર્યે ગવર્નર પટેલનો આભાર માન્યો છે.
૫. નાણા પ્રધાને આરબીઆઇની ટીકા કરી હતી અને બેડ લોન નિવારવામાં નિષ્ફળ નીવડવાનો આરબીઆઇ પર આરોપ મુક્યો હતો. આ બાબતને મોટાભાગે વળતો જવાબ તરીકે જોવામાં આવે છે. જેટલીએ એવું પણ કહ્યું કે ૨૦૦૮થી ૨૦૧૪ દરમિયાન બેંકો આડેધડરીતે લોન આપતી હતી ત્યારે રિઝર્વ બેંક તેની અવગણના કરતી રહી.
૬. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસના સૂત્રોને ટાંકીને ન્યૂઝ એજન્સી રોઇટર્સે જણાવ્યું કે સરકારની જાહેરમાં ટીકા કરવા બદલ સરકારી અધિકારીઓ આરબીઆઇથી ભારે અપસેટ છે. અધિકારીઓને એવી પણ ચિંતા છે કે કેન્દ્ર અને આરબીઆઇ વચ્ચેની આવી ખેંચતાણથી રોકાણકારોમાં દેશની છબી ખરડાઇ શકે છે.
૭. સરકારે આઇએલ એન્ડ એફએસ કટોકટી બાદની પરિસ્થિતિ સરકારે હાથ ધરી હોવાથી નાણાકીય સ્થાયી સમિતિની બેઠક યોજાઇ છે.
૮. નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ દબાણમાં હોવાના કોઇ સંકેત નથી અને તરલતાની કોઇ કટોકટી નહીં હોવાનું આરબીઆઇએ સરકારને કહ્યું હોવાના અહેવાલો છે.
૯.સરકારે પરિસ્થિતિ વધુ વણસે નહીં તેની ખાતરી કરવાની સેન્ટ્રલ બેંકને હાકલ કરી હોવાનું કહેવામાં આવે છે.
૧૦. સરકારી અધિકારીઓએ તાજેતરમાં જ કેટલીક બેંકો પર ધીરાણના નિયંત્રણો હળવા કરવાની આરબીઆઇને હાકલ કરી હતી. સરકાર દેશની પેમેન્ટ સિસ્ટમ માટે નવા નિયામકની રચના કરીને આરબીઆઇની નિયામાકની સત્તાઓ પર કાતર ફેરવવાનો પ્રયાસ કરી રહી છે. મોેદી સરકાર તેના કલ્યાણકારી કાર્યક્રમો માટે નાણા આપવા અને રાજકોષીય ખાધ પુરી કરવામાં સહાયરૂપ થવા માટે ૩.૬ ટ્રિલિયન સરપ્લસમાંથી અમુક રકમ આપવા માટે આરબીઆઇ પર દબાણ કરી રહી છે.