(એજન્સી) રાંચી, તા.૨૯
નક્સલગ્રસ્ત રાજ્ય ઝારખંડમાં કુલ ૮૧ બેઠકોમાંથી પ્રથમ તબક્કાની ૧૩ બેઠકો માટે આવતીકાલ ૩૦ નવેમ્બરના રોજ ભારે સુરક્ષા વ્યવસ્થા હેઠળ મતદાન થવા જઇ રહ્યું છે. ૧૩ સીટ પર ૧૮૯ ઉમેદવારો લડી રહ્યાં છે અને ૩૭ લાખથી વધારે મતદાતાઓ આ પ્રથમ તબક્કામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ચૂંટણી પંચે ઝારખંડની ૮૧ બેઠકો માટે પાંચ તબક્કામાં મતદાનની વ્યવસ્થા જાહેર કરી છે. જેમાં ૧૩ બેઠકોમાં ચતરા, ગુમલા, વિશુનપુર, લોહરગદરા, મનિકા, લાતેહાર, પાકી, ડાલ્ટનગંજ, વિશ્રામપુર, છત્તરપુર, હુસૈનાબાદ, ગઢવા, ભવનાથપુર બેઠકનો સમાવેશ થાય છે.
લાતેહારના જિલ્લા કલેક્ટર જીશાન કમર દ્વારા જણાવ્યા પ્રમાણે, લાતેહાર દિલ્લામાં વિધાનસભાની બે બેઠકો મનિકા અને લાતેહારનો સમાવેશ થાય છે. મતદારો ડર કે ભય રાખ્યા વગર મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે સલામતીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત તમામ ૧૩ બેઠકોના મતદાન મથકો ખાતે સુરક્ષા દળોને ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મતદાન મથકોને હાઇપર ચેકેટિવ બોન્સના કલસ્ટર, સુપર કલસ્ટર, અને ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે અને તમામ મથકોની સંવેદનશીલતા અને ભયના જોખમ પ્રમાણે સુરક્ષા દળો મૂકવામાં આવ્યા છે.
ગત ચૂંટણીની વાત કરીએ તો ભાજપને સૌથી વધારે સીટ મળી હતી. ભાજપને ૩૭, કોંગ્રેસને ૬, ઝામુમોને ૧૯, આજસુને ૫ સીટ જ્યારે અન્યને ૧૪ સીટ મળી હતી. આ વખતે ઝારખંડમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે જેના લીધે સત્તામાં પણ બદલાવ આવી શકે તેવા એંધાણ છે. આ પરિણામ ૨૩ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.